વટ સાવિત્રીના દિવસે સુરતના તાપી કિનારે મહાભારત કાળના ત્રણ પાનવાળા વડનું અનેરું મહત્વ : કર્ણના દેહનો કરાયો હતો અંતિમ સંસ્કાર
Surat News : હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ભારે મહત્વ છે. આ દિવસે પતિની ઉંમર વધે છે. આ વ્રતના પ્રભાવથી અજાણતા કરવામાં આવેલા પાપ પણ ધોવાઇ જાય છે. વટ એટલે કે વડને દેવ વૃક્ષ માનવામાં આવે છે. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. સુરત સહિત દેશમાં અનેક જગ્યાએ વડના વૃક્ષની શ્રદ્ધા પૂર્વક પૂજા થાય છે. પરંતુ સુરતમાં એક વડ એવો છે કે જે મહાભારતના સમયથી છે. કર્ણના દેહના કુંવારી ભૂમિ અશ્વનીકુમાર ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા તે જગ્યાએ આ વડ છે. આ ઐતિહાસિક વડનું શાસ્ત્રોમા અનેરું મહત્વ છે પરંતુ મહાભારત કાળના ત્રણ પાનવાળા વડનું અનેરું મહત્વ વટ સાવિત્રીના દિવસે અનેકગણું વધી જાય છે. તાપી નદી કિનારે અદ્દભુત એવો વડ છે જેમાં ચોથું પાન આવે ત્યારે ત્રીજું પાન આપોઆપ ખરી જાય છે. આ પરંપરા મહાભારત વખતથી ચાલી આવી છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, હિંદુ ધર્મમાં પીપળાની જેમ વડ, જેને વટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન મહિલાઓ અખંડ રહેવા માટે પરંપરાગત રીતે વટ વૃક્ષની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વટવૃક્ષની પૂજા કરીને સાવિત્રી પોતાના પતિ સત્યવાનનો જીવ યમરાજ થી બચાવી શકી હતી. ત્યારથી, સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીની પૂજા કરે છે. સુરતમાં પણ અનેક જગ્યાએ સ્ત્રીઓ વડની પૂજા કરી રહી છે પરંતુ સુરતમાં એક અનોખો વડ છે જેને હજી સુધી અનેક લોકો જાણી શક્યા નથી.
આ વડ અંગે માહિતી આપતા સુરતના ચારધામ મંદિર અને ત્રણ પાનવાળા વડના મહંત વિજયદાસજી જણાવે છે કે, જ્યારે, કુરુક્ષેત્ર યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કરીને રાજા કર્ણને કાંઈ દાન આપવા કહ્યું, ત્યારે રાજા કર્ણએ એમને પોતાના સોનાનાં ઘરેણાં તોડી આપ્યા. આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજા કર્ણએ વરદાન માંગતા કહ્યું કે હું કુંવારી માતા નો પુત્ર છું તેથી મને કુંવારી ભૂમિ પર અગ્નિદાહ આપજો.
ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થઘામ કરીને અહીં આવી રાજા કર્ણ ના દેહને અહીં અગ્નિદાહ આપી. ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ કુંવારી ભૂમિ માટે શંકા વ્યક્ત કરતા, શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણ ને પ્રગટ કરાવી આકાશવાણીથી ઘોષિત કરી ને કહેવડાવ્યું કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે અને મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાહ આપવામાં આવ્યું છે. અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સંબંધી નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે ત્યારે પાંડવોએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણને અહીં અગ્નિ આપ્યું છે પરંતુ આવનાર યુગોને કેવી રીતે ખબર પડશે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાનનો વડ થશે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું પ્રતિક રૂપી થશે ત્યારથી આ વડ અહી છે અને વારે તહેવારે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. જોકે, વટ સાવિત્રીના દિવસે વડ નું મહત્વ હોય આ ઐતિહાસિક વડની પુજા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે અને તેમના માટે મંદિર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.
આ એક એવો અદ્દભુત વડ છે જેમાં ચોથું પાન આવે ત્યારે ત્રીજું પાન આપોઆપ ખરી જાય છે આ પરંપરા મહાભારત વખતથી ચાલી આવી છે તેનું રહસ્ય જાણવા અનેક લોકોએ પ્રયાસ કર્યા છે પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી આ કુદરતી પ્રક્રિયા મહાભારતના સમયથી ચાલતી આવી છે તેથી આ વડ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
પાંચ હજાર વર્ષ જુના આ વડ ની ઉંચાઈ છે માત્ર દોઢથી બે ફુટ
તાપી નદીના કિનારે અશ્વનીકુમાર સ્મશાન ભૂમિ નજીક ચારધામ મંદિર અને ત્રણ પાનવાળો વડ નું મંદિર આવ્યું છે. મહાભારત કાળથી એટલે કે આશરે પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ દ્વાપર યુગનો વડ આવ્યો છે. આ વડનું આયુષ્ય હજારો વર્ષનું છે પરંતુ તેની ઊંચાઈ 50 100 ફુટ નહી પરંતુ માત્ર દોઢથી બે ફૂટ છે. આ ત્રણ પાનનો વડ એ એક પ્રાકૃતિક અજાયબી છે. આ ત્રણ પાનના વડ સાથે પૌરાણિક અને ધાર્મિક કથાઓ જોડાયેલી છે. આ ત્રણ પાનવાળો વડને હાલમાં સ્ટીલની જાળી બનાવી ને સુરક્ષિત રાખવામાં આવ્યો છે.
આ વિસ્તારની મહિલાઓ વટ સાવિત્રીના દિવસે અહીં પૂજા કરી ધન્યતા અનુભવી
સુરતમાં વટ સાવિત્રી નો તહેવાર હોય એટલે સવારથી જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મહિલાઓ વડની શ્રદ્ધા પૂર્વક પૂજા કરી પતિના લાંબા આયુષ્યની માનતા માંગે છે. કેટલીક જગ્યાએ વડ ન હોય ત્યાં બ્રાહ્મણ વડની ડાળી રોપીને પુજા કરાવે છે. પરંતુ અશ્વિની કુમાર-વરાછા વિસ્તારની અનેક મહિલાઓ આ દિવસે ઐતિહાસિક વડની પુજા કરવા માટે ત્રણ પાનના વડ ની પૂજા કરવા માટે પહોંચી જાય છે. મહિલાઓ કહે છે, અન્ય મહિલાઓ વડની પુજા કરે છે પરંતુ અમારે ત્યાં તો સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી ઉગેલો વડ છે તેની પુજા અમારા માટે ઘણી જ મહત્વની બની જાય છે તેથી આવી પહોંચી હતી.
મંદિરમાં મૃત્યુ શૈયા પર દાનવીર કર્ણ ની મુર્તી પુજા કરવામાં આવે છે
મહાભારત યુદ્ધ થયેલું. આ યુદ્ધના અંત સમયે કર્ણનો પણ વધ થયો હતો ત્યારબાદ તેની અંતિમવિધિ અશ્વિનીકુમાર ખાતે કરવામાં આવી હતી. તેની યાદગીરી પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી ક્રિષ્ણાની ઇચ્છાથી ઉગ્યું હતું. આ મંદિરમાં આ મૃત્યુ શૈયા પર દાનવીર કર્ણની મૂર્તિ પણ રાખવામાં આવી છે. અન્ય દેવી દેવતાઓની સાથે સાથે મૃત્યુ શૈયા પર દાનવીર કર્ણની મુર્તીની પુજા પણ કરવામાં આવે છે.