શેર માર્કેટમાં રોકાણથી સારૂ વળતર મળશે કહી સુરતના એકાઉન્ટન્ટના રૂ.12.11 લાખ ચાઉં કરનાર વડોદરાના શેરબ્રોકરની ધરપકડ
image : Freepik
- પ્રોફીટ માર્ટમાં નોકરી કરતા નિકેશ શાહે એકાઉન્ટન્ટ કિરણકુમાર સોનાણી પાસે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણની સામે પહેલા વળતર આપ્યું હતું
- ત્યાર બાદ એકાઉન્ટન્ટના પત્નીનું ડીમેટ એકાઉન્ટ બાફના ટ્રેડર્સમાં ખોલાવી રોકાણ પોતાની કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી રૂ.14.71 લાખ સામે રૂ.2.60 લાખ પરત આપી બાકીની રકમ આપી નહોતી
સુરત,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર
સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ પાસે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારૂ વળતર મળશે કહી રૂ.14.71 લાખનું રોકાણ કરાવી રૂ.12.11 લાખ પરત નહીં કરનાર વડોદરાના શેરબ્રોકરની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદ ધંધુકાના ખસ્તા ગામના વતની અને સુરતમાં ડભોલી કોઝવે રોડ સિલ્વર સ્ટોન હોમ્સમાં રહેતા 40 વર્ષીય કિરણકુમાર અરજણભાઇ સોનાણી વરાછા રોડ રત્નસાગર એપાર્ટમેન્ટ ખાતે ભાવેશભાઈ કેસુરની ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. વર્ષ 2022 માં મિત્ર જીગ્નેશભાઈ રાજપરાએ તેમની ઓળખાણ પ્રોફીટ માર્ટમાં નોકરી કરતા નૈનેશભાઈ સાથે કરાવી હતી. નૈનેશભાઈએ કિરણકુમારને શેરમાર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારૂ વળતર મળશે કહી મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ કિરણકુમારે તેમની પાસે પ્રોફીટ માર્ટમાં ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેનો પાસવર્ડ નૈનેશભાઈ પાસે જ રહેતો હતો. તેમાં નૈનેશભાઈએ રોકાણની સામે વળતર આપ્યું હતું.
ત્યાર બાદ નૈનેશભાઈએ કિરણકુમારને કહ્યું હતું કે મેં તમારી પત્નીના નામનું નવું ડીમેટ એકાઉન્ટ બાફના ટ્રેડર્સમાં ખોલ્યું છે અને તેમાં તમે રોકાણ કરશો તો તમને વધારે માર્જીન મળશે. તેમાં રોકાણ માટે પૈસા મારી કંપની બોમ્બે ટ્રેડર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેશે. આથી કિરણકુમારે ટુકડેટુકડે તેમાં રૂ.14.71 લાખ ટ્રાન્સફર કર્યા હતા.તેની સામે નૈનેશભાઈએ તેમને રૂ.2,59,600 પરત કર્યા હતા. જયારે બાકીની રકમ રૂ.12,11,400 પરત નહીં કરી વાયદા કરનાર નૈનેશભાઈનું સાચું નામ નિકેશ શાહ હોવાનું જાણવા મળતા કિરણકુમારે તેણે ખોટું નામ જણાવી ઠગાઈ કર્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં ગતરોજ 41 વર્ષીય શેરબ્રોકર નીકેશકુમાર નેમચંદ શાહ ( રહે.એ-101, અવધ રેસીકોમ, બીરલા બોંગ હાઇસ્કુલની બાજુમાં, વડસર, વડોદરા. મુળ રહે.206, માળી એપાર્ટમેન્ટ, સ્ટેશન રોડ, કોસંબા, જી.સુરત ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી