સુરતના તમામ જોખમી હોર્ડિંગ્સ ઉતારવા સાથે સ્ટ્રકચર સ્ટેબિલીટી ચકાસણી માટે તાકીદ
Surat Municipal Corporation: સુરત સહિત દેશના અનેક વિસ્તારોમાં ગઈકાલે ભારે પવન અને મીની વાવાઝોડું આવ્યું હતું. ભારે પવનના કારણે મુંબઈમાં હોર્ડિગ્સ પડતા 10થી વધુ લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા છે. આવી જ ઘટના સુરતમાં ન બને તે માટે સુરત પાલિકા તંત્રએ પાલિકાના તમામ ઝોનમાં હોર્ડિગ્સની ચકાસણી કરવા તથા નબળા હોર્ડિગ્સ હોય તો તેને ઉતારવાની સૂચના આપી છે. આ સુચના બાદ આજે અઠવા ઝોન સહિત અન્ય જગ્યાએ હોર્ડિંગ્સ ઉતારવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાત અને દેશના અનેક શહેરોમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સુરતમાં પણ મોડી રાત્રે ભારે પવન ફુંકાયો હતો અને કેટલીક જગ્યાએ કામ ચલાઉ તંબુ બનાવ્યા હતા તેના પડદા ઉડી ગયા હતા. આ ઉપરાંત આ પવનના કારણે બેનર અને કેટલાક હોર્ડિગ્સ ઢીલા પડી ગયા હતા. ગઈકાલે મુંબઈમાં જે હોર્ડિગ્સની દુર્ઘટના બની હતી તેવી જ ઘટનાનું પુનરાવર્તન સુરૂમાં ન થાય તે માટે પાલિકા તંત્રએ તમામ ઝોનને તેમના વિસ્તારમાં આવતા હોર્ડિગ્સનો સર્વે કરવાની સૂચના આપી છે.
સુરતના તમામ જોખમી હોર્ડિગ્સ ઉતારવા સાથે સ્ટ્રકચર સ્ટેબિલીટી ચકાસણી માટે તાકીદ કરવામાં આવી છે. જેના કારણે આજે અઠવા ઝોનના વાય જંકશન પર હોર્ડિગ્સ ના તાર ખુલી ગયા હતા તેથી તેને ઉતારવાની કામગીરી કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય હોર્ડિગ્સ ની ચકાસણી પણ શરુ કરવામા આવી છે.