જર્જરિત માનદરવાજા ટેનામેન્ટના નળ- ડ્રેનેજ જોડાણ કાપવા પાલિકા પહોંચતા હંગામો
સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલા માનદરવાજા ટેનામેન્ટ જર્જરિત હોવાથી નોટિસ આપવામાં આવી હતી. નોટિસ પિરિયડ પૂરો થતાં આજે પાલિકાએ નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચી હતી ત્યારે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો,. રહીશોએ આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું, અહીં રહેતા પરિવારોની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હોવાના કારણે ભાડાનું મકાન પરિવારોને પોષાય તેમ નથી તેથી પાલિકા આવાસ આપે અથવા તો ભાડા આપે તેવી માંગણી કરી હતી. જોકે, આ નીતિ વિષયક નિર્ણય હોવાથી લિંબાયત ઝોન ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.
ચોમાસાની શરૂઆત સાથે પાલિકાએ બિસ્માર મિલકત ઉતારવા માટેની નોટિસ આપી છે તેમાં અઠવાડિયા પહેલાં ફરી એક વાર માન દરવાજા ટેનામેન્ટના રહીશોને લેખિત બાદ મૌખિક નોટિસ આપી હતી. . ટેનામેન્ટ બિસ્માર હોવા છતાં નબળી સ્થિતિ ના કારણે અનેક રહીશોએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આજે નોટિસ ની સમય મર્યાદા પુરી થતાં આજે લિંબાયત ઝોનના અધિકારીઓ- કર્મચારીઓ ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા પહોંચ્યા હતા, જ્યાં લોકોએ ભારે હોબાળો મચાવી જ્યાં સુધી તેમને આવાસ કે મકાનના ભાડા નહીં મળે ત્યાં સુધી ટેનામેન્ટ ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
જોડાણ કાપવા આવેલા પાલિકાના કર્મચારીઓ સામે રહીશોની સીધી વાત અનેક લોકો કમાતા નથી જે લોકોની વ્યવસ્થા નથી તેઓ સ્વૈચ્છિક વ્યવસ્થા કઈ રીતે કરે ? તેની સામે પાલિકાના કર્મચારીઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા. આ મુદ્દે હવે પાલિકા અને ટેનામેન્ટના રહીશો બંનેની હાલત કફોડી થઈ રહી છે.
પાલિકા કર્મચારીએ માઈક પર નોટિસ આપ્યા બાદ લોકોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. જેમાં લોકો એવું પૂછતાં હતા કે અમારી પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી અને પૈસા પણ નથી તો અમારા માટે પાલિકા ક્યા પ્રકારની વ્યવસ્થા કરશે ? આ ઉપરાંત આ ટેનામેન્ટમાં અનેક રહેવાસીઓ એવા છે કે જેઓ કમાતા નથી તેની વ્યવસ્થા કઈ રીતે થશે ? આ ટેનામેન્ટમાં વસવાટ કરતા અનેક ની હાલત કફોડી છે તો તેઓ માટે શુ વ્યવસ્થા?
જોકે, પાલિકાના લિંબાયત ઝોને સ્પષ્ટ કરી દીધું હતું કે નીતિ વિષયક નિર્ણય છે અને અમારે બિસ્માર મિલ્કતમાં કોઈ વસવાટ ન થાય તેની જવાબદારી છે તેથી અમે અમારી કામગીરી કરીશું. આ મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે.
આ કિસ્સામાં ટેનામેન્ટ જર્જરિત હોવાથી પાલિકા તંત્રની ચિંતામાં વધારો થયો છે જ્યારે બીજી તરફ ટેનામેન્ટમાં રહેનારાઓ ગરીબ હોવાથી તેઓ પાસે અન્ય જગ્યાએ ભાડે રહેવા માટે પણ પૈસા નથી તેથી જો ખાલી કરવું પડે તો તેઓની હાલત પણ કફોડી સાબિત થઈ શકે તેમ છે. આમ આ મુદ્દે પાલિકા અને અસરગ્રસ્ત બંનેની હાલત કફોડી થઈ ગઈ છે.