સુરતના નવા વિસ્તારો પુણા અને પાલમાં 14 કરોડના ખર્ચે નવી બે સુમન સ્કૂલ બનશે
- વસ્તી અને વિસ્તાર વધતા હવે શિક્ષણ આરોગ્યની સેવામાં પણ વધારો
- માધ્યમિક શિક્ષણની જવાબદારી પાલિકાની નથી છતાં હાલ પાલિકાની 23 સ્કુલ છે તેમાં 13 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
સુરત,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
સુરત મહાનગરપાલિકાના નવા વિસ્તાર એવા પુણા અને પાલ વિસ્તારમાં પાલિકા દ્વારા નવી બે સુમન સ્કુલ શરૂ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. તમામ સુવિધાઓ સાથે 14 કરોડના ખર્ચે બે સ્કુલ શરૂ કરવામા આવશે. આ નવી બે સ્કુલ શરૂ થતાં આવિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઘર નજીક માધ્યમિક શિક્ષણ મળી રહેશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 1 થી 8નું પ્રાથમિક શિક્ષણ આપી રહી છે. ત્યારબાદ માધ્યમિક શિક્ષણ પાલિકાની જવાબદારી ન હોવા છતાં પાલિકા ધોરણ 10 સુધી શિક્ષણ આપવા માટે સુમન સ્કુલ ચલાવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પાલિકાની સુમન સ્કુલ આર્શિવાદરૂપ છે. હાલમાં સુરત પાલિકા જુદા જુદા વિસ્તારમાં 23 જેટલી સુમન સ્કુલ ચલાવી રહી છે અને તેમાં 13 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.
સુરતના વિસ્તાર અને વસતી વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સતત સુમન સ્કુલ શરૂ કરવા માટેની માગણી થઈ રહી છે. જેના કારણે હાલમાં સુરત પાલિકાએ ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં સુમન સ્કુલ શરૂ કરી છે. દર વર્ષે સુમન શાળામાં એડમિશન માટેના ઘસારાને ધ્યાને રાખીને આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા વધુ બે સુમન શાળાઓ બનાવવા આયોજન કર્યું છે. જેમાં સુરત પાલિકાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમાં 6.44 કરોડના ખર્ચે તથા રાંદેર ઝોનમા પાલ વિસ્તારામં 7.65 કરોડના ખર્ચે નવી બે સ્કુલ શરૂ કરવા દરખાસ્ત રજુ કરવામાં આવી રહી છે. જેના પર ગુરૂવારની સ્થાયી સમિતિ સમક્ષ નિર્ણય કરાશે.