રાત્રે તોડી પાડેલું ડિવાઈડર બનાવતા પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરનાર 'આપ'ના બે કાર્યકરની ધરપકડ
- ફરી કામગીરી કરતા હતા ત્યારે વિડીયો બનાવનાર 'આપ'ના એક કાર્યકર વિરુદ્ધ પણ ગુનો દાખલ
- કતારગામમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા ધનમોરા ચાર રસ્તા પાસે કાર્યકરો અને પાલિકના સ્ટાફ વચ્ચે માથાકૂટ થઈ હતી
સુરત,તા.29 નવેમ્બર 2022,મંગળવાર
સુરતના કતારગામ વિસ્તારમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા ધનમોરા ચાર રસ્તા પાસે રવિવારે રાત્રે કોઈકે તોડી પાડેલું ડિવાઈડર બનાવતા પાલિકાના કર્મચારીઓ સાથે ગત બપોરે માથાકૂટ કરનાર 'આપ'ના બે કાર્યકરની પોલીસે ધરપકડ કરી હતી.ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ ફરી કામગીરી કરતા હતા ત્યારે વિડીયો બનાવનાર 'આપ'ના એક કાર્યકર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાવાનો હતો.જોકે, રવિવારે રાત્રે કોઈકે કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે બનાવેલું ડિવાઈડર તોડી નાંખતા મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી તેને બનાવવાની કામગીરી બપોરે 12 વાગ્યે હાથ ધરી હતી.જોકે, ત્યાં એકત્ર થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પાલિકાના કર્મચારીઓને કામ કરતા અટકાવતા ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને સમજાવ્યા હતા.છતાં તેમણે આજે અમારી સભા છે અમે ડિવાઈડર નહીં બનાવવા દઈએ કહી કામ નહીં કરવા દેતા આ અંગે કતારગામ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી.પાલિકાના સ્ટાફે પોલીસની હાજરીમાં કામ શરૂ કર્યું હતું પણ ત્રણ વાગ્યે 'આપ'ના કાર્યકરોએ બધી સાધન સામગ્રી વેરવિખેર કરી સૂત્રોચ્ચાર કરતા ડિવાઈડર બનાવવાનો ફર્મો તોડવાની કોશિષ કરી હતી.
આથી પોલીસે ત્યાંથી 'આપ'ના બે કાર્યકર એબ્રોઈડરી ડીઝાઇનર પિયુષ ભુપતભાઇ વરસાણી ( ઉ.વ.21, રહે. ઘર નં.સી/5, કમલ એપાર્ટમેન્ટ, અંબીકાનગર સોસાયટી, કતારગામ, સુરત ) અને બેકાર તુલસી મનુભાઇ લલૈયા ( ઉ.વ.30, રહે.જે/102, સાઇ આસ્થા રેસીડેન્સી, સરદાર ચોક, ન્યુ કોસાડ, અમરોલી, સુરત ) ની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ ફરી કામગીરી કરતા હતા ત્યારે 'આપ'ના રજનીકાંત વાઘાણીએ વિડીયો બનાવવા માંડયો હતો.આ અંગે પાલિકાના આસીસ્ટન્ટ એન્જીનીયર હેમંતકુમાર પટેલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિયુષ વરસાણી અને તુલસી લલૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.