Get The App

ટ્રક ડ્રાઇવરોની હડતાળ હિંસક બની સુરતમાં PCR વાન, પોલીસ પર હુમલો

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ટ્રક ડ્રાઇવરોની હડતાળ હિંસક બની સુરતમાં PCR વાન, પોલીસ પર હુમલો 1 - image


- સતત બીજા દિવસે પણ ગુજરાતમાં ટ્રકચાલકોનો વિરોધ જારી

- ગોધરા-લુણાવાડા હાઇવે પર ડ્રાઇવરોએ ટ્રાફિક ચક્કાજામ કર્યો, ભિલોડામાં ઇડર-શામળાજી હાઇવે બ્લોક કરાયો 

અમદાવાદ,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર

કેન્દ્ર સરકારે અકસ્માતના નવા કાયદોનો ટ્રક ડ્રાઇવરોગુજરાત સહિત દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. હવે જો અકસ્માત થશે તો કસૂરવાર ડ્રાઇવરને 10 વર્ષ સુધીની જેલની કેદ અને રૂા.7 લાખ સુધીના દંડ ભરવો પડશે.કાયદાની આ જોગવાઇને લઇને ટ્રક ડ્રાઇવરો રોષે ભરાયા છે. કાયદાને રદ કરવાની માંગ સાથે ડ્રાઇવરો રસ્તા પર ઉતર્યા છે. સતત બીજા દિવસે પણ ગુજરાતમાં ટ્રક ડ્રાઇવરોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જારી રાખ્યુ હતુ. તેમાંય સુરતમાં ટ્રક ડ્રાઇવરોની હડતાલે હિંસક સ્વરુપ ધારણ કર્યુ હતું. સીટી બસ પર પથ્થરમારો કરતાં ડ્રાઇવરોને અટકાવવા જતાં પોલીસ પર હુમલો કરાયો હતો. એટલુ જ નહીં, પીસીઆર વાનની ય તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુંડાગીરી કરતાં ડ્રાઇવરોની અટકાયત કરી વધુ કાયદાકીય કાર્યવાહી કરી હતી.

સુરતના ડુમસ રોડ પર પોલીસને દોડાવીને ટ્રક ડ્રાઇવરોએ ઢોર માર માર્યો, પોલીસ પર હુમલો થતાં 22 ટ્રક ડ્રાઇવરોની ધરપકડ

હીટ એન્ડ રન-અકસ્માતના નવા કાયદાને લઇને દેશવ્યાપી વિરોધ થઇ રહ્યો છે. હડતાળ પાડીને ટ્રક ડ્રાઇવરો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે સુરતમાં ડુમસ રોડ પર ટ્રક ડ્રાઇવરો ટ્રાફિક ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે, અચાનક જ  ગુંડાગીરી પર ઉતરી આવેલાં ટ્રક ડ્રાઇવરોએ પોલીસ જવાનને દોડાવીને ઢોર માર માર્યો હતો. ટ્રક ડ્રાઇવરોએ હાથમાં લાકડીઓ લઇને પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. વાત આટલેથી અટકી ન હતી બલ્કે ટ્રક ડ્રાઇવરોએ સીટી બને રોકી હંગામો મચાવ્યો હતો જેથી સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી. જોકે, પથ્થરમારો કરતાં ડ્રાઇવરોને અટકાવવા પોલીસ પ્રયાસ કર્યો હતો પણ ડ્રાઇવરોએ પીસીઆર વાનની પણ તોડફોડ કરી હતી. સાથે સાથે પોલીસ જવાનો સાથે મારામારી કરીને હુમલો કર્યો હતો. ડુમસ પોલીસે આ ઘટના સંદર્ભમાં 22 ટ્રક ડ્રાઇવરોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત 40ના ટોળા સામે ગુનો નોધ્યો હતો. 

સતત બીજા દિવસે ગુજરાતમાં ટ્રક ડ્રાઇવરોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યુ હતું. ઉત્તર ગુજરાતમાં થરાદમાં ટ્રકચાલકોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. રોડસાઇટમાં ટ્રકો ઉભા રાખીને નવો કાયદો રદ કરવાની માંગ કરી હતી.  આખરે પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડયો હતો અને વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો. આ ઉપરાંત દાંતા તાલુકાના ભેમાળમાં ટ્રક ચાલકોએ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યો હતો.  અરવલ્લીમાં ભિલોડામાં ઇડર-શામળાજી રોડ પર ડ્રાઇવરોએ હાઇવે બ્લોક કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. 

ગોધરા લુણાવાડા હાઇવે પર પણ ડ્રાઇવરોએ અકસ્માતના નવા કાયદાને લઇને વિરોધ નોંધાવ્યો હતો. શહેરાના હોસેલાવ ચોકડી પર ટ્રક ચાલકોએ હાઇવે વચ્ચોવત ટ્રકોનો ખડકલો કરી દીધો હતો જેથી વાહન વ્યવહાર થંભી ગયો હતો. અન્ય વાહનચાલકોને ટ્રાફિકમાં અટવાઇ જવુ  પડયુ હતું. જોકે, પોલીસે ઘટના સ્થળે જઇને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો.  અકસ્માતના નવા કાયદાને લઇને ટ્રકચાલકો જરાયે પીછેહટ કરવાના મૂડમાં નથી. એવી ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જયાં સુધી નવો કાયદો રદ નહી થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. આ તરફ, કેન્દ્ર સરકારે-ટ્ક એસોસિશન વચ્ચે વાતચીત થઇ રહી છે.

ઉલ્લેખનીય છેકે, ટ્રક હડતાળને લીધે દૂધથી માંડીને શાકભાજી-જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાઇ શકે છે સાથે સાથે મોઘા પણ થશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે. 

હજીરા-ઇચ્છાપોરમાં 10 હજાર ટ્રકોની પૈડા થંભી ગયા, સ્ટીલ-રસાયણનો સપ્લાય અટક્યો

અકસ્માતના નિયમોને લઈને ટ્રક ચાલકો હડતાળ પર છે ત્યારે સુરત નજીકના ઈચ્છાપોર-હજીરા જીઆઈડીસીમાં મોટી સંખ્યામાં ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે પરિણામે 10 હજારથી વધુ ટ્રકોના પૈડા થંભી ગયા છે. હડતાળની સીધી અસર વિવિધ વ્યવસાયો પર પડી છે. હજીરાની તમામ ઇન્ડસ્ટ્રીઓમાં અન્ય રાજયોમાંથી વિવિધ રસાયણ-સ્ટીલ સહિત અન્ય માલ સામાન આવતો હોય છે ,પરંતુ હડતાલના કારણે માલસામાન પહોંચી શક્યો નથી. જેથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. અત્યારે હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં ટ્રક ડ્રાઇવરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પરિણામે ઉદ્યોગ જગતને વેઠવાનુ થયુ છે. રસાયણો, સ્ટીલ સહિત અલગ અલગ ઉત્પાદનો જે તે સ્થળોએ પહોંચી શક્યા નથી પરિણામે માલિક અને વેપારીઓ પણ પરેશાન થઈ ગયા છે. ટ્રક ડ્રાઇવરોની હડતાળ 3 જાન્યુઆરી સુધી ચાલશે. એવી ય ચર્ચા છેકે, જો કોઇ નિરાકરણ નહી આવે તો હડતાળ લંબાશે.  

પેટ્રોલની અછતની અફવા પેટ્રોલપંપો પર વાહનોની કતારો

હિટ એન્ડ રનના નવા કાયદાને લઇને ટ્રક ડ્રાઇવરોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ખેંચી છે. પંજાબમાં ચંદીગઢ સહિતના શહેરોમાં પેટ્રોલની અછત સર્જાઇ છે. અન્ય રાજ્યોમાં ય પેટ્રોલકાપ આવી શકે છે તેવી અફવાએ જોર પકડતાં જ અમદાવાદમાંય લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવા પેટ્રોલપંપ પહોંચ્યા હતાં. પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. પંજાબમાં ટુ અને ફોર વ્હીલરને મર્યાદિત પેટ્રોલ આપવામાં આવી રહ્યુ છે ત્યારે એવુ ચર્ચાઇ રહ્યુ છેકે, જો દેશવ્યાપી ટ્રક હડતાળ હજુય યથાવત રહી તો, ગુજરાતમાં ચંદીગઢવાળી થઇ શકે છે. 


Google NewsGoogle News