સુરત મેટ્રોની કામગીરીને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા :ભટાર- અલથાણ રોડ પર ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ
- ભટાર ચાર રસ્તા થી અલથાણ સુધીના રોડ મેટ્રોની કામગીરીને કારણે એક તરફથી બંધ છે મોટા વાહનો પણ આ જ રસ્તે જતાં હોય ટ્રાફિક જામ
સુરત,તા.20 ફેબ્રુઆરી 2023,સોમવાર
સુરત શહેરમાં મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે આ કામગીરી સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. પાલિકા અને પોલીસ તથા મેટ્રો કંપની દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે કોઈ આયોજન કરતાં ન હોવાથી રોજ કેટલાક વિસ્તારમાં ટ્રાફિક મોટી સમસ્યા થતાં લોકોનો સમય અને ઈંધણ નો બગાડ થઈ રહ્યો છે. હાલમાં શહેરના અલથાણ ભટાર વિસ્તારમાં પીક અવર્સમાં ટ્રાફિકની ભારે સમસ્યા થતાં લોકો ત્રાહિમામ થઈ રહ્યાં છે. સમસ્યા હવે કાયમી બની જતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સુરતમાં 2025 ના અંત સુધીમાં મેટ્રોની કામગીરી પુરી થશે અને મેટ્રો નો પહેલો ફેઝ શરુ થાય તેવી ગણતરી થઈ રહી છે. જેના કારણે મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જોકે, મેટ્રોની કામગીરી દરમિયાન શહેરના અનેક રોડ પર બેરીકેટ કરી દેવામાં આવ્યા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સતત વધી રહી છે.લોકો સતત ટ્રાફિકમાં ફસાતા હોવા છતાં પણ પાલિકા- પોલીસ કે મેટ્રો તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યાનો હલ કરવા માટે કોઈ કામગીરી કરતા ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે.
પાલિકાના રાંદેર ઝોનમાં એલ.પી. સવાણી રોડ, પાલનપોર જકાતનાકા વિસ્તાર સહિત અનેક જગ્યાએ મેટ્રોની કામગીરીને કારણે રોડ અડધા રોડ બંધ કરી દેવાયા છે અને રોડની સાઈડ પર વાહનો અને લારીઓના દબાણ છે તેમાં ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. આવી જ રીતે શહેરના સેન્ટ્રલ ઝોનમાં અનેક જગ્યાએ મેટ્રોની કામગીરીને પગલે અનેક રસ્તાઓ અડધા બંધ છે અને તેમા પણ દબાણની સમસ્યાના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યું છે.
મેટ્રોના કારણે સૌથી વધુ સમસ્યા શહેરના અલથાણ ભટાર વિસ્તારમાં છે. ભટાર ચાર રસ્તા થી અલથાણ કેનાલ રોડ પર મેટ્રોના કારણે રોડ ઘણાં સાંકડા થઈ ગયાં છે. આ રસ્તા પર મોટા વાહનો પસાર થાય છે ત્યારે ભારે સમસ્યા થાય છે. પીક અવર્સમાં આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે. સાંકડા રસ્તા પરથી મોટા અને નાના વાહનો પસાર થતા સતત અકસ્માતનો ભય રહેલો છે. પીક અવર્સમાં આ રસ્તા પર ભારે ટ્રાફિક થતાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં જામ રહે છે. લોકોની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે.