સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં ટ્રાફિક સમસ્યા
Surat Rain Update : સુરતમાં આજે રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસવાનું શરુ થયું હતું. આજે લિંબાયત ઝોનમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વરસાદના મોટા ઝાપટાના કારણે માર્કેટ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા અને લિંબાયત ગરનાળામાં પાણી ભરાયા ટ્રાફિક થંભી ગયો હતો.
સુરતના ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં વહેલી સવારથી જ શરુ થયેલા વરસાદે સુરતીઓનું જીવન જીવન ખોરવી નાખ્યું હતું. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં હજારો લોકો નોકરી ધંધા માટે જતા હોય છે પરંતુ આજે સવારથી જ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરુ થયું હતું. શહેરના મિલેનિયમ માર્કેટથી રઘુકુલ ગરનાળા સુધીના વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. ટેક્સટાઈલ માર્કેટ થી ધમધમતા આ વિસ્તારમાં દર વર્ષે ચોમાસાના પ્રારંભ સાથે જ વરસાદી પાણીના ભરાવવાની સમસ્યા થાય છે. પરંતુ કાયમી નિકાલ કરવામાં આવતો નથી તેથી લોકો હેરાન થાય છે અને દર વરસાદમાં અહીં ટ્રાફિક જામ થઈ જાય છે. આ ઉપરાંત લિંબાયતમાં ગરનાળામાં પાણી હોવાથી વાહન ચાલકોને માથે આફત ઉભી થઈ હતી.