આજે લારીથી માંડીને હોટલ સુધી હજારો કિલો ઉંધીયું અને જલેબીનું વેચાણ થશે
- સુરતીઓના જીભના ચટાકાના કારણે ખાણપીણીના વેપારીને તડાકો
- રૂ. 200થી માંડીને 360 સુધીનો ઉંધીયાનો ભાવ
- ઉધીયું પુરી, જલેબી સાથે સુરતી ફરસાણની ડિમાન્ડમાં પણ વધારો થશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 જાન્યુઆરી 2019, રવિવાર
કોઈ પણ તહેવારની ઉજવણીને ખાણી-પીણી સાથે જોડી દેતાં સુરતીઓના જીભના ચટાકાા કારણે તહેવારમાં ખાણી-પીણીના વેપારીઓને તડાકો થઈ રહ્યો છે. ઉતરાયણના દિવસે સુરતીઓ ઉંધીયું પુરી અને જલેબી ઝાપટી જતાં હોવાથી લારીથી માંડીને હોટલ સુધી ઉંધીયાનું વેચાણ થશે. મોટા ભાગની જગ્યાએ ઉંધીયા-જલેબીના વેચાણ માટે સ્ટોલ મુકી દેવામાં આવ્યા છે. સુરતમાં ઉંધીયું રૂ.૨૦૦થી ૩૬૦કિલો સુધીનો ભાવ લોકો પાસે વેપારીઓ વસુલશે.
સુરતી ઉતરાયણ એટલે પતંગ ચગાવવા સાથે સાથે ખાણી-પીણીનો પણ તહેવાર છે. આ દિવસે સુરતમાં ટેરેસ પાર્ટીનું જોર વધી જશે. સુરતીઓની ખાણી-પીણીની સ્ટાઈલ અને ચટાકાના કારણે ખાણી-પીણીના વેપારીઓ તહેવારના દિવસે રોકડી કરી લેતા હોય છે. પહેલાં તો સુરતમાં ગણતરીની ફરસાણની દુકાન અને રેસ્ટોરન્ટમાં જ ઉંધીયાનું વેચાણ થતું હતું. પરંતુ હવે તો સુરતના ફુટપાથ પર ઉભી રહેતી લારીઓથી માંડીને રેસ્ટોરન્ટ અને હોટલના સંચાલકો પણ ઉંધીયું બનાવી રહ્યાં છે.
સુરતમાં સુરતી ઉંધીયા સાથે કાઠીયાવાડી ઉંધીયુ અને જૈન ઉંધીયું સહિતના અનેક ઉંધીયાનું વેચાણ થઈ રહ્યું છે. શહેરમાં ઉંધીયાનું વેચાણ કરતાં કેટલાક વેપારીઓને ત્યાં ઉંધીયાનું એડવાન્સ બુકીંગ પણ કરી દેવામાં આવ્યું છે. સુરતના બજારમાં ૨૦૦ રૂપિયા કિલોથી માંડીને ૩૬૦ રૂપિયા કિલોના ભાવે ઉંધીયાનું વેચાણ થઈ રહ્યું છે.
તહેવારની ઉજવણીની સાથે સાથે સુરતીઓ ખાણી-પીણીને મહત્વ આપતા ંહોવાથી સુરતમાં ઠેર-ઠેર ઉંધીયાના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. ઉંધીયા અને જલેબીની સાથે સાથે સવાર અને સાંજના નાસ્તામાં સુરતી ફરસાણની પણ બોલબાલા રહે છે. જેના કારણે સોમવારની સવારથી ફરસાણ બનાવતા વેપારીઓને ત્યાં સુરતી ફરસાણની પણ ડિમાન્ડમાં વધારો થશે તે નક્કી છે.