સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં લોકાર્પણ કરેલી શાક માર્કેટનો ઉપયોગ ન થતાં માર્કેટ શ્રમજીવીઓ માટે રેનબસેરા બની ગયું
Surat Corporation News :સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર રોડ પર શાકભાજી-ફ્રુટના વિક્રેતાના દબાણ દુર કરવા માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારમાં તમામ ઝોનમાં શાક માર્કેટ બનાવી છે. પરંતુ પાલિકાએ બનાવેલી કેટલીક શાક માર્કેટ એવી છે કે બનીને ચારેક વર્ષ થઈ ગયાં હોવા છતાં પણ માર્કેટનો ઉપયોગ થઈ શકતો નથી. જેના કારણે પાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બનેવાલી શાકમાર્કેટનો ઉપયોગ ન થતાં પાલિકાના આયોજન પર પ્રશ્નો ઉભા થયા છે. સુરત પાલિકાના વરાછા ઝોનમાં સીમાડા ખાતે બનાવેલી શાકમાર્કેટનો ઉપયોગ થતો ન હોવાથી પારાવાર ગંદકી થઈ રહી છે. આ ઉપરાંત શાક માર્કેટમાં ફેરિયાઓ બેસતા ન હોવાથી જાહેર રસ્તા પર દબાણ થતા ટ્રાફિક થઈ રહી છે સમસ્યા વધી રહી છે.
સુરત પાલિકાના વરાછા બી ઝોનમાં સીમાડા ખાતે પાલિકાએ જાહેર રોડ પર શાકભાજી-ફળના વેપારીઓ ન બેસે અને માર્કેટમાં બેસે તે માટે વેજીટેબલ અને ફ્રુટ માર્કેટ બનાવી છે. પાલિકાએ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે 30 જાન્યુઆરી 2019 માં શાક માર્કેટ બનાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું. તેમ આ શાક માર્કેટમાં પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019 માં જે શાક માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. તે શાક માર્કેટ નો ઉપયોગ હજી પણ થયો નથી. જેના કારણે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી શાક માર્કેટમાં શ્રમજીવીઓએ કબજો જમાવી દીધો છે. આ શ્રમજીવીઓએ આ શાક માર્કેટને રેનબસેરા બનાવી દીધું છે.
પાલિકાએ શાક માર્કેટ બનાવી હોવા છતાં ચાર વર્ષ બાદ પણ તેનો ઉપયોગ નહી થતો હોવાથી લાખો રૂપિયાના ખર્ચે બનેલી શાક માર્કેટમાં ભારે ગંદકી થઈ રહી છે. તેની સફાઈ પણ કરવામા આવતી નથી. આ શાક માર્કેટ નજીક અનેક જગ્યાએ માથાભારે તત્વો દબાણ કરી રહ્યાં છે. જો પાલિકા આ માર્કેટનો ઉપયોગ શરુ કરાવે તો રસ્તા પરના દબાણ દુર થશે અને લોકોને માર્કેટમાંથી શાકભાજી મળી શકે તેમ છે. જોકે, આટલા વર્ષોથી પાલિકાએ આ શાક માર્કેટનો ઉપયોગ કેમ નથી થયો તે મોટો પ્રશ્ન છે.