સ્થાયી સમિતિએ શિક્ષણ સમિતિના બજેટમાં 43 કરોડનો કર્યો વધારો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને પહેલી વાર સ્પોર્ટ્સ શુઝ અને ગણવેશની વધારાની એક જોડી આપશે
સમિતિની શાળામાં 2 થી 5માં અભ્યાસ કરતા બાળકોને કંપાસ બોક્સ, પાંચ નોટબુક અને એક વોટર બુક સહિત લંચ બોક્સ અપાશે
સુરત, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરુવાર
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતએ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં 43 કરોડનો વધારો જાહેર કર્યો છે. આ વધારા સાથે હવે આગામી સત્રથી શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધારાની એક જોડી ગણવેશ આપવા સાથે સાથે સ્પોર્ટ્સ શુઝ પણ આપવામાં આવશે. આ ઉપરાંત સમિતિની શાળામાં 2 થી 5 માં અભ્યાસ કરતા બાળકોને કંપાસ બોક્સ, પાંચ નોટબુક અને એક વોટર બુક સહિત લંચ બોક્સ અપાશે.
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે સૌથી પહેલા શિક્ષણ સમિતિ નું બજેટ રજુ ક4યું હતું મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા બજેટમાં 43 કરોડનો વધારો કરીને સમિતિનું બજેચ 963 કરોડનું કર્યું છે. આ અંગે માહિતી આપતા સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આગામી વર્ષ 2024-25ના બજેટમાં વધારાના 43 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને યુનિફોર્મની વધારાની એક જોડી સાથે સ્પોર્ટ્સ શુઝ પણ આપવામાં આવશે. આ સિવાય ધોરણ 2થી 5માં અભ્યાસ કરતાં બાળકોને કમ્પાસ બોક્સ, પાંચ નોટબુક અને એક વોટર બુક સહિત લંચ બોક્સનું વિતરણ કરવામાં આવશે જ્યારે ધોરણ 6થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને જીયોમેટ્રીક કમ્પાસ બોક્સ, વોટર બેગ, આઠ નોટબુક સહિત લંચ બોક્સ આગામી શૈક્ષણિક વર્ષથી આપવામાં આવશે. આ વધારાના કારણે સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટનું કદ 920 કરોડથી વધારીને 963 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.