વરસાદે તંત્રની પોલ ખોલી, સુરતમાં રોડ પર મારેલાં ‘થીગડાં’ પડ્યાં, વાહન ચાલકોને ભારે હાલાકી
Road Damage in Surat Rain : સુરત પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં ખાડી કિનારાનો કોર્નરનો રોડ અચાનક બેસી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. એક તરફ ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે ખાડી કિનારાનો રોડ અચાનક બેસી પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ બેરિકેડિંગ કરીને કામગીરી તો શરુ કરી છે પરંતુ આ રોડમાં મોટો ખાડો પડી ગયો છે તેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
સુરતમાં 21 જુલાઈની રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સાથે રોડનું ધોવણ પણ ભારે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે. હાલમાં મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી તેથી પાલિકાના તમામ ઝોને ઉતાવળે રોડ પર થીગડાં મારવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ગઈકાલથી પડી રહેલા ભારે વરસાદના કારણે પાલિકાની આ કામગીરીની પોલ ખૂલી ગઈ છે. અનેક જગ્યાએ થીગડા મરાયા હતા ત્યાંથી કપચી રોડ પર વિખેરાઈ રહી છે અને તેના કારણે વાહન ચાલકોની હાલત વધુ કફોડી થઈ રહી છે.
સુરત શહેરમાં પાણી ભરાવવાના અને રોડ તૂટવાની ઘટના વચ્ચે આજે સવારે પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં વરાછા બેંક આવી છે તેની નજીકથી ખાડી પસાર થાય છે. આ ખાડીની કોર્નરનો રોડ અચાનક બેસી ગયો છે. બરાબર ખાડી કિનારેનો રોડ હોવાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને પાલિકાએ કોઈ અકસ્માત ન બને તે માટે બેરિકેટિંગ કરી દીધું છે અને કામગીરી શરૂ કરી છે. જો કે, અચાનક રસ્તો બેસી જતા લોકોમાં તંત્ર અને શાસકો પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.