સુરતમાં ટર્મની છેલ્લી બોર્ડમાં વિપક્ષ પહેલીવાર મજબૂત જોવા મળ્યું : ચૂંટણી માટે પોલ ઓનની ડિમાન્ડ વિપક્ષે કરતાં શાસકો ફિક્સમાં મુકાયા
- ભાજપની કહેવાતી થીંક ટેંક વિપક્ષના 14 કોર્પોરેટરો સામે વામણી સાબિત થયા : વિપક્ષે પક્ષ પલ્ટુ ધર્મેન્દ્ર વાવલીયાનું નામ મુખ્યું, વાવલીયાએ કહ્યું મારે મેયર નથી બનવું
સુરત,તા.12 સપ્ટેમ્બર 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં માત્ર વિપક્ષના 14 કોર્પોરટરો પહેલી વાર ભાજપ અને પક્ષ પલ્ટુ 12 કોર્પોરટરો મળી 105 કોર્પોરેટર પર ભારે પડ્યા હતા. આ ટર્મની છેલ્લી બોર્ડમાં વિપક્ષ પહેલી વાર મજબૂત જોવા મળ્યું હતું. મેયરની ચૂંટણી માટે વિપક્ષે પક્ષ પલ્ટુ કોર્પોરેટરનું જ નામ મુકીને પોલ ઓન ડિમાન્ડ ની માગણી કરતા ભાજપ શાસકો અને પક્ષ પલ્ટુ ફિક્સમાં મુકાયા હતા. વિપક્ષના આ દાવ સામે ભાજપની કહેવાતી થીંક ટેંક વામણી ,સાબિત થઈ હતી. વિપક્ષે પક્ષ પલ્ટુ ધર્મેન્દ્ર વાવલીયાનું નામ મુખ્યું વાવલીયાએ કહ્યું મારે મેયર નથી બનવું .વિપક્ષની ચાલમાં શાસકો એવી રીતે ફસાયા હતા કે પક્ષ પલ્ટુ કોર્પોરેટરોએ વિપક્ષ તરફી મતદાન કરવું પડ્યું હતું.
સુરત મહાનગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં આજે પાલિકાની સામાન્ય સભા રાખવામાં આવી હતી. ભાજપે સંકલન બેઠકમાં પદાધિકારીઓના નામની જાહેરાત કરી દીધી હતી. પરંતુ સામાન્ય સભામાં ભાજપની બહુમતી હોવા છતાં મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષ નેતા અને સ્થાયી સમિતિની નિમણૂક કરતા ભાજપને પરસેવો પડી ગયો હતો. ભાજપની કહેવાતી થીંક ટેન્કે વિપક્ષના 12 કોર્પોરટરને તોડી ભાજપમાં તો જોડ્યા હતા પરંતુ હજી સુધી માન્યતા અપાવી શક્યા ન હતા. ભાજપની કહેવાતી થીંક ટેન્કનો ઓવર કોન્ફીડન્સ આજે ભાજપને જ ભારે પડ્યો હતો.
ભાજપે મેયર તરીકે દક્ષેશ માવાણી નું નામ મૂક્યું હતું જેની સામે વિપક્ષે પક્ષ પલ્ટુ ધર્મેન્દ્ર વાલલીયાને આપના ઉમેદવાર તરીકેનું નામ મુકતાં શસાકોની હાલત કફોડી થઈ ગઈ હતી. ધર્મેન્દ્ર વાલલીયાએ પોતે મેયર બનવું નથી અને તેઓ ચુંટણી માટે તૈયાર નથી તેવું જણાવ્યું હતું. આ મુદ્દે થોડા સમય ઘમાસાણ ચાલી હતી તો બીજી તરફ વિપક્ષે પોલ ઓન ડિમાન્ડ ની માગ કરવા સાથે જો કાયદાકીય રીતે પ્રક્રિયા નહી થા તો કોર્ટમાં પડકારવાની ચીમકી આપી હતી. જેના કારણે પાલિકાની સામાન્ય સભામાં મતદાન કરવાની ફરજ પડી હતી અને ભાજપમાં આવેલા સભ્યોએ ફારેગ ન થવાની બીકે વિપક્ષ તરફી મતદાન કરવું પડ્યું હતું. આ ઉફરાંત ડેપ્યુટી મેયર તરીકે વિપક્ષે ભાજપમાં આવેલા પક્ષ પલ્ટુ નિરાલી પટેલના નામની જાહેરાત કરી હતી. નિરાલી પટેલે કહ્યું હતું કે, અમે પહેલાં પણ આ લોકોની વિચારધારા સાથે જોડાયેલા ન હતા અને હજુ પણ નથી . તેમ છતાં પણ આ માટે પણ મતદાન થયું હતું આવી જ રીતે સ્થાયી સમિતિ માટે પણ મતદાન કરવાની શાસકોની ફરજ પડી હતી. આમ વિપક્ષના 14 સભ્યો સામે પણ ભાજપની કહેવાતી થીંક ટેન્ક ઘુંટણીએ પડેલી જોવા મળી હતી.