ગુજરાત : વિશ્વનું એક માત્ર એવુ મંદિર જ્યાં ભગવાન શિવને ભક્તો અર્પણ કરે છે જીવતાં કરચલા
સુરત,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
શિવ મંદિરમાં સામાન્ય રીતે દૂધ, ફૂલ, મધ, બીલીપત્ર જેવી ચીજ-વસ્તુઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવે છે. પરંતુ ક્યાંક તમે એવું જોયું છે, કે ભગવાન શિવને જીવતા કરચલા ચઢાવવામાં આવતા હોય! જી હા, સુરતમાં વિશ્વનું એક માત્ર એવુ મંદિર છે જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક દિવસ જીવતા કરચલા ચડાવવામાં આવે છે.
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે. લોક માન્યતા મુજબ શારીરિક ખામી અને ખાસ કરીને કોઇને કાનને લગતી બિમારી હોય અને આ મહાદેવ પર આસ્થા રાખે તો કાનનાં રોગ દુર થાય છે. બદલામાં ભાવિકો દ્વારા શિવલિંગને પણ કરચલા ચડાવવામાં આવે છે. લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી જીવતાં કરચલાં લઈને પહોંચી પૂજા-અર્ચના કરતા હોય છે. વર્ષમાં ફકત એક દિવસ જ અહી કરચલા ચડતા હોવાથી સવારથી જ ભક્તો આવી પહોંચતા દર્શન માટે લાંબી લાઈનો લાગે છે.
રામનાથ ઘેલા મંદિરમાં કરચલા ચડાવવાની પ્રથા વર્ષો જૂની છે. હજારો વર્ષ જૂનું કહેવાતા આ મંદિર સાથે અલૌકિક ઘટના જોડાઇ છે જોડાયેલી છે. લોકવાયકા મુજબ ભગવાન રામએ તર્પણ વિધિ દરમિયાન કોઇ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્ર દેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી. જેથી સમુદ્ર દેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી. આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. સમુદ્ર દવે ભગવાન શ્રીરામને આ જીવોનો ઉદ્ધાર કરવા વિનંતી કરી હતી. ભગવાન આ જોઈને ઘેલાઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું હતું. વર્ષમા એક જ વાર આ મંદિર કરચલા ચડાવવાની માન્યતા હોવાથી આજના દિવસે અહી હજ્જારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાથે આવતા હોય છે. સુરત સિવાય અહી મુંબઇ તથા દિલ્હી થી પણ ભક્તજનો દર્શનાથે આવી પોતાની બાધા પુર્ણ કરે છે.