ટેન્ડર કામગીરીમાં નિયમોનું પાલન ન થતું હોવાના મુદ્દે સમિતિની સભા તોફાની બની
નબળી કામગીરીને કારણે નોટિસ આપી વર્ક ઓર્ડર કેન્સલ કર્યો તે જ એજન્સીને નવો સફાઈ કોન્ટ્રાક્ટ અપાયા : વિપક્ષ
શિક્ષણ સમિતિમાં જુદી જુદી ચાર એજન્સી પણ દરેકના એડ્રેસ એક જ આવી એજન્સીને જ કોન્ટ્રાક્ટ અપાતા હોવાનો વિપક્ષનો આક્ષેપ
સુરત, તા. 12 માર્ચ 2024 મંગળવાર
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખરીદી તથા અન્ય કોન્ટ્રાક્ટના અપાતા કામોમાં ટેન્ડરની શરતોનું પાલન ન થતું હોવાના આક્ષેપ ના કારણે શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભા તોફાની બની હતી. પાલિકાએ ગત વર્ષે સફાઈ ની નબળી કામગીરી હોવાના કારણે જે એજન્સીને અનેક નોટિસ આપી હતી અને વર્ક ઓર્ડર કેન્સલ કરી દીધો હતો તે જ એજન્સીને શાળાના મેદાન ની સફાઈ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે તેના કારણે વિવાદ ઉભો થયો છે. વિપક્ષે પ્રશ્ન કર્યો હતો કે જે એજન્સને કામમાંથી હાંકી કાઢવામાં આવી હતી તેને જ બીજો કોન્ટ્રાકટ આપવા માટેની કામગીરી શા માટે કરવામા આવે છે. આ ઉપરાંત અનેક ટેન્ડરના કામોમાં શરતોનું પાલન થતું નથી તેવા આક્ષેપ ના કારણે શાસક પક્ષના સભ્યોએ સામે હંગામો કરતા સભા તોફાની બની હતી.
લોકસભાની ચુંટણીની આચાર સંહિતા જાહેર થાય તે પહેલા શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી. આ સભામાં વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ મોજા અને વિવિધ કોન્ટ્રાક્ટના 25 કરોડથી વધુના કામો રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, મોટા ભાગના ટેન્ડરના કામોમાં વિપક્ષે ટેન્ડરના નિયમો મુજબ કામગીરી થઈ નથી અને ચોક્કસ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યાં છે અને કેટલાક એવા પ્રશ્નો રજુ કર્યા હતા જેના કારણે શાસક પક્ષના સભ્યોએ ખુલાસો કરવો ભારે પડી ગયો હતો.જ્યારે કેટલાક પ્રશ્નમાં ,શાસક પક્ષે વિપક્ષના આક્ષેપ ખોટા છે તે સાબિત કરી દીધું હતું.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજે વિદ્યાર્થીઓને ગણવેશ, બુટમોજા અને સ્કુલ બેગ આપવા સાથે ધોરણ 6માં પહેલા નંબરે આવનાર વિદ્યાર્થીઓને સાયકલ આપવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં શાસક પક્ષના સભ્યો અનુરાગ કોઠારી, યશોધર દેસાઈ, રાકેશ ભીખડીયા, સંજય પાટીલ, શુભમ ઉપાધ્યાય સહિતના સભ્યોએ આ કામગીરી માટે અભિનંદન આપ્યા હતા અને ગુજરાત જ નહી પરંતુ ભારતમાં વિદ્યાર્થીઓને સ્કુલ બેગ આપતી સુરત પહેલી સમિતિ છે તેવો દાવો પણ કર્યો હતો.
શાસકો પોતાની વાહ વાહ કરતા હતા પરંતુ વિપક્ષના એક માત્ર સભ્ય રાકેશ હીરપરાએ સમિતિમાં ચાલતા ટેન્ડરના કામોમાં અનેક ક્ષતિ છે અને ટેન્ડરની શરતોનું પાલન ન થયું હોવાથી નિર્ધારિત એજન્સી જ શિક્ષણ સમિતિના કોન્ટ્રાક્ટ લઈ રહી છે. જેનું ઉદાહરણ આપતા તેઓએ કહ્યું હતું કે, ગુરુજી ઈન્ફાસ્ટ્રકચર નામની એજન્સીને ગત વર્ષે હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ આ એજન્સીની એવી નબળી કામગીરી હતી કે તેને કામગીરી સુધારવા માટે અનેક નોટિસ આપવી પડી હતી. તેમ છતાં કામગીરી ન સુધરતા શાસનાધિકારીને ફરજ મોકુફ કરવામાં આવ્યા ત્યારે પણ હાઉસ કીપીંગ ની કામગીરી યોગ્ય રીતે થતી નથી અને તેના પર અધિકારી ધ્યાન ન આપી શકવાનું કારણ રજૂ કરવામાં આવ્યું હતું.
વિપક્ષી સભ્યએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જે એજન્સી શાળા સફાઈ- હાઉસ કીપીંગ ની કામગીરી યોગ્ય રીતે કરી શકી ન હતી અને સમિતિએ નોટિસ આપવા સાથે વર્ક ઓર્ડર પણ કેન્સલ કરી દીધો હતો. તે ગુરુજી ઈન્ફાસ્ટ્રકચર ને જ શાળાના મેદાન ની સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો આ એજન્સીને કામગીરી કેમ આપવામાં આવી રહી છે? જોકે, આ બાબતનો શાસકો કોઈ ખુલાસો કરી શક્યા ન હતા.
પરંતુ ગણવેશ, બુટમોજા અને અન્ય કામગીરી ના કોન્ટ્રકાટ્ સામે વિપક્ષે આક્ષેપ કર્યા હતા તેની સામે શાસકોએ આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું. જોકે, લાંબા સમય બાદ આજની સામાન્ય સભામાં શાસક- વિપક્ષ બન્ને પક્ષના સભ્યોએ વિવિધ કામગીરીની દરખાસ્તમાં તંદુરસ્ત ચર્ચા કરી હતી.