વડાપ્રધાનની જાહેર સભા માટે પાલિકા તંત્રની તડામાર તૈયારી, સુરતના પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક
- 3150 કરોડના 56 કામોનું લોકાર્પણ-ખાત મુર્હૂત થશે
સુરત,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
સુરત મહાનગરપાલિકાના 3150 કરોડના 56 કામના લોકાર્પણ ખાત મુર્હૂત વડા પ્રધાનના હસ્તે કરવામા આવશે. વડા પ્રધાનના 29 સપ્ટેમ્બર કાર્યક્રમ માટે વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામા આવી રહી છે. સુરતના પ્રભારીની અધ્યક્ષતામાં બેઠકના દૌર શરૂ કરવામા આવ્યા છે. 29 સપ્ટેમ્બરના કાર્યક્રમના લઈને ખાસ આયોજન કરવામા આવી રહ્યું છે.
સુરતના લિંબાયત વિસ્તારના વડાપ્રધાનના કાર્યક્રમ માટે સુરત પાલિકાએ 12 કરોડથી વધુના ટેન્ડર મંજુર કરી દીધા છે. આ દિવસે વડાપ્રધાન મોદી સુરત મ્યુનિ.ના 3150 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાત મુર્હૂત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 29મી સપ્ટેમ્બરના રોજ લિંબાયત ખાતે નિલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતને પગલે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માટે આજે સુરત જિલ્લાના પ્રભારી સચિવ થેન્નારસન દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની અને કલેકટર આયુષ ઓક સહિત ગાંધીનગરથી વિશેષ ફરજ પર મૂકવામાં આવેલા અધિકારી વચ્ચે સંકલનની બેઠક યોજાઈ હતી.
જ્યાં સભા થવાની છે તેવા લિંબાયત નીલગીરી ખાતે ચાર દિવસથી ઉચ્ચ અધિકારીઓ સતત મુલાકાત લઈ રહ્યાં છે અને જરૂરી સુચના આપી રહ્યાં છે. આ જગ્યાની આસપાસની જગ્યાની સફાઈ સાથે ડોમ બનાવવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. આજે સુરતના પ્રભારી સચીવે બેઠક કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન યોજાનારા પ્રત્યેક કાર્યક્રમોની રૂપરેખા તલસ્પર્શી સમીક્ષા હાથ ધરવાની સાથે - સાથે થેન્નારસન દ્વારા અધિકારીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું