મહુવાની હનુમંત હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરનાર શખ્સ વિક્ટર ચોકડીથી ઝડપાયો
- ગત 19 ઓક્ટોબરની વહેલી સવારે ત્રણ મોબાઈલ ચોરાયા હતા
- મહુવા પોલીસ મથકમાં અલગ-અલગ ત્રણ ફરિયાદ નોંધાઈ હતી
ભાવનગર : મહુવાની હનુમંત હોસ્પિલના આઈસીયુ વોર્ડમાંથી ગત ૧૯મી ઓક્ટોબરની મોડી રાત્રિથી વહેલી સવાર સુધીમાં ત્રણ મોબાઈલ ચોરાયા અંગેની અલગ-અલગ ત્રણ પોલીસ ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાઈ હતી. હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરનારા આરોપીને મહુવા પોલીસે આજે વિક્ટર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.
મહુવાની હનુમંત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી ગત તા.૧૯મી ઓક્ટોબરની મોડી રાત્રિથી વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન મોબાઈલ ચોરીના ત્રણ બનાવોમાં રાજુલાના પ્રકાશભાઈ હરીહરભાઈ ભટ્ટે રૃ.૧૪,૦૦૦ની કિંમતનો ફોન ચોરાયાની, ભરતભાઈ વાલાભાઈ ગુજરીયા (રહે.મહુવા)એ ૯,૯૯૯ની કિંમતનો મોબાઈલ ચોરાયાની તથા નિકુંજભાઈ અશોકભાઈ જોષી (રહે.કસાણ, તા.મહુવા) એ રૃ.૧૩,૦૦૦ની કિંમતનો મોબાઈલ ચોરાયાની અલગ-અલગ ફરિયાદ કુલ ત્રણ પોલીસ ફરિયાદ મહુવા પોલીસ મથકમાં નોંધાવા પામી હતી. ફરિયાદના આધારે મહુવા પોલીસે તપાસ હાથ ધરતા આ ત્રણ મોબાઈલ ફોન હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા મહેશ ભુપતભાઈ કળસરીયા (રહે.રાજુલા) નામના શખ્સે ચોર્યા હોવાનું ખુલ્યું હતું. આરોપીએ વહેલી સવારે મોબાઈલ ચોર્યો હતો અને આખો દિવસ મહુવા શહેરમાં રખડીને ફોન વેચવાનો પ્રયાસ કર્યો હતો અને ફોન નહી વેચાતા રાજુલા જવા નિકળતો હતો ત્યારે વિક્ટર ચોકડી પાસેથી મહુુવા પોલીસે તેને સાંજે ૬.૪૫ કલાકે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.