સુરત: સમિતિની મજુરાગેટ - ઉત્રાણની શાળાના પ્લે ગ્રાઉન્ડ ડેવલપ કરાશે
- PM મોદીના મન કી બાતની વાત સાંભળી સમિતિના શાસકોએ ઉપાડી લીધી
- ઉત્રાણ સ્કુલના પ્લે ગ્રાઉન્ડના ડેવલપ માટે સમિતિના નવા સભ્યોએ કરી માગણી
સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખેલ કુદને પ્રોત્સાહન આપવા માટે કરેલી વાતને સુરત નગર પ્રાથમિક સમિતિના સભ્યોએ ઉપાડી લીધી છે. સમિતિના નવા શાસકોએ સમિતિની સ્કુલના મેદાનને વધુ આધુનિક બનાવવાની બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે મજુરા ગેટ સ્કુલ સાથે સાથે ઉત્રાણ સ્કુલના ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટે વિચારણા થઈ રહી છે.
આ અંગેની વાત બજેટમાં સામેલ કરવા સાથે આગામી દિવસોમાં સમિતિની સ્કુલના ગ્રાઉન્ડ ડેવલપ કરવા સાથે સ્કુલના ગેટ તથા સ્કુલના એક સરખા કલર કરવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટ પહેલાં મળેલી બેઠકમાં શિક્ષકોની ઘટ પુરી કરવા માટે બજેટમાં નવો હેડ ઉભો કરીને પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટના નવા હેડના કારણે શિક્ષકોની 60 ટકા ઘટ પુરી થવાનો દાવો શાસકોએ કર્યો છે. તેની સાથે સાથે બાળકોમાં રહેલી ખેલકુદની પ્રતિભા બહાર લાવવા માટે સમિતિની બજેટ બેઠકમાં સુચન કરવામાં આવ્યા હતા.
શિક્ષણ સમિતિની મજુરાગેટ ખાતેની સ્કુલમાં વર્ષોથી મેદાન છે પરંતુ તેનો યોગ્ય વિકાસ કરવામા આવ્યો નથી. આ વર્ષે શાસકોએ બજેટમાં મજુરાગેટની સ્કુલમાં ઈન્ડોર અને આઉટ ડોર ગેમ થાય તેવા પ્રકારના મેદાનને ડેવલપ કરવા સાથે સુવિધા ઉભી કરવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્પોર્ટસ સંકુલ બનાવવા સાથે પ્લે ગ્રાઉન્ડ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
મજુરાગેટની શાળાની જેમ જ ઉત્રાણ ખાતેની શાળા ક્રમાંક 334 જ્યાં બાળકોના એડમીશન માટે વેઈટીંગ થાય છે ત્યાં જે ગ્રાઉન્ડ છે તેને પણ ડેવલપ કરવા માટે સમિતિના સભ્યોએ દરખાસ્ત મુકી હતી તેને બજેટ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં આ બન્ને સ્કુલના ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે સમાવેશ થાય તેવી શક્યતા છે.
આ ઉપરાંત શિક્ષણ સમિતિની સ્કુલની નવી ઓળખ ઉભી થાય તે માટે સમિતિના તમામ સ્કુલ ના કલર એક સરખા કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક સ્કુલના ગેટ પણ એક સરખી સાઈઝના અને એક સરખી ડિઝાઈનના હોય તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. તેનો આગામી દિવસોમાં અમલ થાય તેમ છે.