સુરત: સમગ્ર ગુજરાતનું સૌથી મોટા ડાયમીટરનું બહેડાનું વૃક્ષ ઉનાઈમાં સચવાયું છે
- વૈજ્ઞાનિક ચકાસણી માટે મોકલાવાયું છે, અંદાજે 500 થી પણ વધુ વર્ષ થી હયાત છે, શરદી-ખાંસી-કફ માટે ઉત્તમ ઔષધિ મનાય છે
સુરત, તા. 22 જાન્યુઆરી 2022 શુક્રવાર
કોરોનાકાળમાં આયુર્વેદ પ્રત્યે લોકોની માનસિકતા બદલાય છે. જેને કારણે હાલ મોટેભાગે દરેક ઘરમાં શરદી, ખાંસી, તાવ, અને કફ જેવી બિમારીને માટે પણ લોકો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે. જેમાં એક ઔષધ બહેડો પણ છે. ખાસ વાત છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો ડાયમીટર ધરાવતું વૃક્ષ ઉનાઈ રેન્જમાં છે. જેનો વ્યાસ 812 સેન્ટિમીટર છે.
બહેડા ભારત દેશમાં સર્વત્ર જોવા મળતી વનસ્પતિ છે. ખાસ કરીને તે નીચલા પર્વતીય પ્રદેશોમાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલોમાં તે જોવા મળે છે. ત્યારે ગુજરાત રાજયમાં અંદાજે 500 વર્ષ થી પણ વધુ વર્ષ થી જુનું બહેડાનું વૃક્ષ આવેલું છે. જેનો ડાયમીટર 8.12 મીટર છે એટલે કે તેને સાત વ્યક્તિઓ ભેગા થઈને ઘેરાવો કરે એટલું મહાકાય છે. તેની જાળવણી પણ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે બહેડો વૈદ્યોના અતિ પ્રિય ગણાતા વૃક્ષોમાંથી એક છે. જેનો આયુર્વેદની દ્રષ્ટિએ બહોળો ઉપયોગ છે. શરદી, ખાંસી, તાવ, કફ, દમ, હૃદય રોગ અને પથરી જેવા 50 રોગો માટે તેને મહાઔષધી માનવામાં આવે છે. જેને લઇને હાલ કોરોનાની બિમારીમાં લોકો આ બહેડાનો ઉપયોગ શરદી-ખાંસી-તાવ મટે કરે છે.
આ અંગે ઉનાઈ રેન્જના RFO રૂચિ દવે એ કહ્યું કે, બહેડાનું વૈજ્ઞાનિક નામ ટર્મિનેલિયા બેલ્લીરિકા છે. અંદાજ છે કે આ વૃક્ષ 500થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવે છે અમે વૈજ્ઞાનિકોને તપાસ માટે મોકલાવ્યું છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની 12 હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષ જોવા મળ્યા છે. જેમાં મોટા બહેડાના વૃક્ષ ઉપરાંત રાઈટીયા ટિંકટોરીયા (મીઠા ઈન્દ્રજવ)ના પણ વૃક્ષ છે જેમનું સ્થાન વિશ્વમાં ત્રીજું છે.