નવરાત્રીનો ઉત્સવ મંદિર નજીકના નાના દુકાનદારો માટે બની રહ્યો છે સંજીવની

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
નવરાત્રીનો ઉત્સવ મંદિર નજીકના નાના દુકાનદારો માટે બની રહ્યો છે સંજીવની 1 - image


- લોકોની માતાજીની ભક્તિ નાના વેપારીઓને ફળી રહી છે

- હાર-ફુલ, શ્રીફળ, કંકુ, માતાજીના શણગાર અને પ્રસાદની માગમાં અનેકગણો વધારો : અનેક નાના વેપારીઓને બેથી અઢી મહિનામાં થાય તેટલો ધંધો નવરાત્રીમાં થઈ ગયો 

સુરત,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

ગત રવિવારથી શરૂ થયેલી નવરાત્રી જામી રહી છે અને ગરબા રમવા સાથે સાથે માતાજીના ભક્તો મંદિરમાં જઈને માતાજીની આરાધના કરી રહ્યાં છે. આ નવરાત્રીમાં ભક્તો દ્વારા થતી માતાજીની ભક્તિ મંદિરની આસપાસના નાના વેપારીઓને ફળી રહી છે.  નવરાત્રીનો ઉત્સવ મંદિર નજીકના નાના દુકાનદારો માટે બની  સંજીવની બની ગયો છે અને બેથી અઢી માસમાં જેટલું વેચાણ થાય એટલું વેચાણ હાલ નવરાત્રીમાં થતાં નાના વેપારીઓ ખુશ થઈ રહ્યાં છે. 

નવરાત્રીનો ઉત્સવ મંદિર નજીકના નાના દુકાનદારો માટે બની રહ્યો છે સંજીવની 2 - image

ભારતમાં હિન્દુ તહેવારો ભારતના અર્થતંત્રને જીવંત રાખવા માટેનો પર્યાય બની ગયા છે. છેલ્લા કેટલાક વખતથી મોંઘવારી અને મંદીની માહોલ હતો અને નાના વેપારીઓની હાલત કફોડી હોવાની ફરિયાદ હતી પરંતુ નવરાત્રિ ની એન્ટ્રી સાથે જ મંદિરની આસપાસ તથા ધાર્મિક વસ્તુનું વેચાણ કરતા વેપારી માટે નવરાત્રી સંજીવની બનીને આવી ગઈ છે. નવરાત્રી પહેલા દિવડા અને માતાજીની માટલી (ગરબી) બનાવતા નાના વેપારીઓના ધંધા માં પ્રાણ ફુંકાયા હતા અને તેમને રોજીરોટી મળી હતી. 

ગત રવિવારથી શરૂ થયેલી નવરાત્રી  માતાજીના મંદિરની આસપાસ ના વેપારીઓ માટે સંજીવની બની ગઈ છે. પહેલા નવરાત્રી થી જ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી રહી છે. માતાજીના દર્શન માટે જતાં ભક્તો માતાજીની પૂજા  માટે શ્રીફળ ફુલ, હાર, કંકુ પ્રસાદ અને માતાજીના શણગાર લઈને મંદિરે જાય છે. નવરાત્રી દરમિયાન માતાજી ના મંદિરે આવનારા ભક્તોની ભીડ વધુ હોય છે તેથી મંદિર નજીકના દુકાનદારોને સારો એવો વકરો થઈ રહ્યો છે.

અંબા માતાના મંદિરની આસપાસ શ્રીફળ- ફુલ-હારનું વેચાણ કરતાં  બીપીન પટેલ કહે છે, સામાન્ય દિવસોમાં  અમારે ત્યાં રવિવારે જ સારી ગ્રહાકી રહી છે પરંતુ હાલમાં ઘરાકી વધી ગઈ છે તે માતાજીની મહેરબાની છે. પેંડા તથા પ્રસાદનું રેંકડી લઈને વેચાણ કરતાં સાઈનાથ ટિકતે કહે છે, હાલ ચાલી રહેલી નવરાત્રી અમારા જેવા નાના વેપારીઓ માટે આર્શિવાદ બની ગઈ છે હાલ નવરાત્રીના દિવસોમાં પહેલા વેચાતો તેના કરતાં ચાર ગણો પ્રસાદનું વેચાણ થાય છે.

આવી જ રીતે મંદિર નજીક માતાજીના શણગાર અને કંકુનું વેચાણ કરતાં પ્રજ્ઞેશ ઠક્કર કહે છે, મંદિરની આસપાસના નાના વેપારીઓ માટે નવરાત્રીનો તહેવાર આર્શિવાદ રુપ બની રહ્યો છે નાના વેપારીઓ જે મંદિરની આસપાસ ધંધો કરે છે તેઓ બેથી અઢી માસમાં જે ધંધો થાય છે તેટલો ધંધો આ નવરાત્રી દરમિયાન થઈ જાય છે. તેના કારણે  વેપારીઓને ઘણી જ રાહત થઈ રહી છે. 

આ ઉપરાંત આ નવરાત્રી દરમિયાન માતાજીના ફોટા, તાંબા પિત્તળના વાસણો અને ચુંદડી અને સાડીનું પણ વેચાણ વધી જાય છે. આમ માતાજીના મંદિરની આસપાસ જે લોકો ધાર્મિક વસ્તુનો ધંધો કરે છે તેઓને પણ સારો ધંધો થઈ રહ્યો છે. માતાજીને ચઢાવવા માટે બંગડી- સાડી સહિતનો શણગારનો સામાનનું વેચાણ પણ વધી રહ્યું છે. આમ માતાજીના મંદિરની આસપાસના વેપારીઓ માટે નવરાત્રી સુકનિયાળ બની રહી હોવાનું વેપારીઓ કહી રહ્યાં છે.


Google NewsGoogle News