સુરત: હદ વિસ્તારમાં ઘૂસ્યું જ્ઞાતિવાદી રાજકારણ: પાટીદાર વિસ્તારને સમાવવા મુદ્દે વિવાદ
- ભાજપના નેતાઓની જૂથબંધીથી જ્ઞાતિવાદની આગ ભડકશે
- ભાજપના નેતાઓએ ઇરાદાપૂર્વક પાટીદાર બહુમતીવાળા વિસ્તારને મહાનગરપાલિકામાં નહીં સમાવતા હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 31 ડિસેમ્બર 2019 મંગળવાર
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણ મુદ્દે ભાજપના નેતાઓની જૂથબંધીથી સુરતમાં ફરી એકવાર જ્ઞાતિવાદના બીજ રોપાવાનું શરૂ થઈ ગયું છે. સુરતને અડીને આવેલા પાટીદાર બહુમતીવાળા વિસ્તારને ભાજપના નેતાઓ ઇરાદાપૂર્વક નહીં સમાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આવા આક્ષેપને કારણે ફરી એકવાર સુરતમાં વર્ગ વિગ્રહ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં સુરતને અડીને આવેલા કેટલાક વિસ્તારમાં પાટીદાર બહુમતી છે. ભાજપના કેટલાક નેતાઓએ આ ગામડાના સમાવેશ માટે વિરોધ કર્યો હોવાથી કામરેજ તાલુકાના ગામડાઓને હદ વિસ્તારમાં સમાવવામાં આવ્યા નથી.
હવે ભાજપના નેતા સાથે સંકળાયેલા કેટલાક લોકો પોતાના ગામડાઓને મહાનગરપાલિકામાં નહીં સમાવવા માટે આક્રમક રજૂઆત કરી રહ્યા છે તો બીજી તરફ અનેક સોસાયટીના લોકો મહાનગર પાલિકામાં જોડાવવા માટે રેલીઓ અને મીટિંગ કરી રહ્યા છે.
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના એક કોર્પોરેટરે પોતાનો વિસ્તારની બાજુમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તાર અને મહાનગરપાલિકામાં ઇરાદાપૂર્વક બનાવવામાં આવતો નથી. તેવો આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું છે.
ભાજપના નેતાઓની વરવી જૂથબંધીને કારણે ફરી એકવાર સુરતમાં પાટીદાર સમાજમાં ભાગલા પડ્યા અને વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. પાટીદાર વિસ્તારને ઇરાદાપૂર્વક થઇ રહેલા અન્યાયનો મુદ્દો હવે જોરશોરમાં ગાજવા માંડ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી ભીતિ છે.