શિક્ષણ સમિતિના ધોરણ 6માં શાળામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓને સાયકલ આપવાનું શરુ કરાયું
સમિતિના વિદ્યાર્થીઓને પ્રોત્સહન આપવા માટેનો પ્રયાસ
આજે પહેલા દિવસે 70 અને આવતીકાલ સુધીમાં તમામ 350 સ્કુલમાં ધોરણ છમાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરી દેવાશે: સાયકલ સાથે સ્કુલ બેગનું પણ વિતરણ કરાયું
સુરત, તા. 13 માર્ચ 2024 બુધવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 70 જેટલી શાળામાં આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું છે. દરેક સ્કુલમાં ધોરણ 6માં શાળામાં પહેલો નંબર લાવનારા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ શરુ કરાયું છે.
ગમે તે ક્ષણે આચાર સંહિતા લાગુ પડી જાય તેમ હોવાથી આજથી શરુ થયેલો સાયકલ વિતરણનો કાર્યકર્મ આવતીકાલે સાંજ સુધીમાં પુરો થઈ જશે.
પહેલા દિવસે 70 શાળા અને ત્યાર બાદ આવતીકાલે તમામ શાળા મળી 350 શાળામાં સાયકલનું વિતરણ પુરુ કરી દેવામા આવશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં સ્થાયી સમિતિએ કરેલા સુધારામાં ધોરણ 6માં શાળામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીઓને સાયકલ આપવાનો નિર્ણય કરાયો હતો.
પાલિકાના આ નિર્ણય બાદ 22.62 લાખના ખર્ચે 350 જેટલી સાયકલ અને 5.95 કરોડના ખર્ચે 1.62 લાખ સ્કુલ બેગ ખરીદવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.
ગઈકાલની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં નિર્ણય કરાયા બાદ આજે સવારે સ્કુલ બેગ અને સાયકલ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
મેયર દક્ષેશ માવાણીના હસ્તે વરાછાની સ્કુલથી સાયકલ અને સ્કુલ બેગ વિતરણ કાર્યક્રમ શરુ કરાયો હતો જેમાં ધારાસભ્ય વિનોદ મોરડીયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયા અને સભ્યો હાજર રહ્યાં હતા. દિવસ દરમિયાન આજે સુધીમાં 70 શાળામાં સાયકલ અને બેગ વિતરણ કરવામા આવશે અને આવતીકાલે તમામ 350 સ્કુલમાં સાયકલ અને બેગ વિતરણનો કાર્યક્રમ પુરો કરી દેવામાં આવશે.