સુરત પાલિકામાં દીવા તળે અંધારું, લોકોને ઘર રીપેર કરવાની નોટિસ અને જહાંગીરપુરા આવાસની આંગણવાડીની દયનીય હાલત
Surat News : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા ખાતે આવેલી આંગણવાડીની હાલત દયનીય હોવાની ફરિયાદ બહાર આવી છે. જહાંગીરપુરા આવાસ ખાતેની આંગણવાડીમાંથી પાણી ટપકે છે અને પંખા પણ બંધ છે. ગરીબ બાળકો અને સગર્ભા મહિલા-ધાત્રી બહેનો આવે છે તે જગ્યાએ વાયરીંગ બળી ગયું છે અને અકસ્માતની ભીતિ છે. જો પાલિકા તાત્કાલિક પગલાં નહી ભરે તો લોકોના જીવ સામે જોખમ રહેલું છે.
લોકોની મિલકતમાં ખામી હોય તો લોકોને નોટિસ ફટકારતા સુરત પાલિકાની જ કેટલીક મિલકત જર્જરિત હોવા ઉપરાંત અકસ્માત સર્જે તેવી થઈ રહી છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરપુરા સ્થિત સાંઈ વિલાની સામે પાલિકાની આંગણવાડી આવેલી છે. તેની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. આ ઉપરાંત સ્લેબમાંથી ઈલેક્ટ્રીક વાયરીંગ બળી ગયું છે. આંગણવાડીમા પંખા પણ ચાલતા નથી. આ જગ્યાએ ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે. આ ઉપરાંત સગર્ભા અને ધાત્રી બહેનો કેવી રીતે આંગણવાડીમાં આવીને બેસે છે. આવા સંજોગોમાં અકસ્માત થવાની ભીતિ છે. તેથી તાત્કાલિક પગલાં ભરવા માટેની માંગણી કરવામાં આવી છે.