સુરત પાલિકાના પદાધિકારીઓ-કોર્પોરેટરો લોકોના પ્રશ્નોનો હલ કરતા ન હોવાથી લોકોની હાલત કફોડી : પાણી, ડ્રેનેજ સાથે સફાઈના અનેક પ્રશ્નો
Surat Corporation : સુરતમાં હાલ સ્માર્ટ મીટરના નામે ચાલી રહેલા આંદોલનમાં સુરત પાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો આચાર સંહિતાના નામે ગાયબ હોવાથી સુરતીઓની સમસ્યા બેવડાઈ રહી છે. શહેરમાં પાણી અને ડ્રેનેજ સાથે સફાઈના અનેક પ્રશ્નો છે પણ કોર્પોરેટરો આચાર સંહિતાના નામે રજાના મૂડમાં હોવાથી પ્રશ્નો હલ ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. સુરત પાલિકામાં આચારસંહિતા લાગુ છે તેમાં મોટા નિર્ણય કરવા પર પ્રતિબંધ છે પરંતુ લોકોની સમસ્યાના હલ માટે સામાન્ય સૂચનાઓ આપવા પર પ્રતિબંધ નથી. તેમ છતાં સુરત પાલિકાના પદાધિકારીઓ, અધ્યક્ષ અને કોર્પોરેટરો રજાના મૂડમાં હોવાથી લોકોના કોઈ પ્રશ્નોનો હલ થતો નથી.
સુરત સહિત ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે 7 મે ના રોજ મતદાન પૂરું થઈ ગયું છે પરંતુ 4 જૂને પરિણામ હોવાથી ત્યાં સુધી આચાર સંહિતા લાગુ પડશે. આ સમય દરમિયાન સુરત પાલિકા કે ગુજરાત સરકારને કોઈ મહત્વના નીતિ વિષયક નિર્ણય લેવાનો નથી પરંતુ તે સમય દરમિયાન ગંદા પાણી, પાણી લીકેજ, ડ્રેનેજ લીકેજ, સફાઈ, સહિત અનેક સમસ્યાઓની ફરિયાદ થઈ રહી છે. પરંતુ લોકો અધિકારીઓ સુધી પહોંચી શકતા નથી અને કેટલાક લોકો પહોંચે છે તેઓને યોગ્ય જવાબ મળતો ન હોવાની ફરિયાદ છે.
આવી સ્થિતિને કારણે સુરતીઓ પાલિકા કચેરીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજુઆત કરવા માટે આવે છે પરંતુ પાલિકા કચેરીએ પાલિકાના પદાધિકારીઓ વિવિધ સમિતિના અધ્યક્ષ પાલિકા કચેરી આવતા નથી. પ્રતિનિધિઓ કહે છે, કે આચાર સંહિતા છે પરંતુ આ આચાર સંહિતા પાણીની લાઈન રીપેર કરવા કે ડ્રેનેજ ચોક અપની સમસ્યાના હલ કે સફાઈ કરાવવા માટે મૌખિક સૂચના આપવા માટે લાગુ પડતી નથી. જો કોર્પોરેટરો કે પદાધિકારીઓ લોકોની સમસ્યાનો હલ સૂચના આપીને લાવી શકે તેમ છે. પરંતુ તેઓ આચાર સંહિતાના નામે લોકોના પ્રશ્નો સાંભળતા નથી તેથી લોકોની સમસ્યા વધી રહી છે તેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.