સુરત પાલિકાની સીટી બસ પાછળ તીન પત્તી-જુગારની જાહેરાત હટાવી દેવામાં આવી
- પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે સીટી બસ પર ઓનલાઇન ગેમ જેવા કે તીનપત્તી, રમી, પોકર જેવા જુગારની જાહેરાત નહી હોવી જોઈએ તેવી માગણી કરી હતી
સુરત,તા.22 માર્ચ 2024,શુક્રવાર
સુરત પાલિકાની સીટી બસની પાછળ આવક મેળવવા માટે જુગાર સહિતની જાહેરાતને અધ્યક્ષની ફરિયાદ બાદ દૂર કરી દેવામાં આવી છે. પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષે સીટી બસ પર ઓનલાઇન ગેમ જેવા કે તીનપત્તી, રમી, પોકર જેવા જુગારની જાહેરાત નહીં હોવી જોઈએ તેવી માગણી કરી હતી ત્યારબાદ બે દિવસના સમયમાં જ આવી જાહેરાત હટાવી દેવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં સામુહિક પરિવહન માટે સીટી અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. બસ ઓપરેટર દ્વારા આવક મેળવવા માટે બસ પાછળ જાહેરાત લગાવવાનું શરુ કર્યું છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી બસ પાછળ ઓનલાઇન ગેમ જેવા કે તીનપત્તી, રમી, પોકર જેવા જુગારની જાહેરાત મુકવામાં આવી હતી. આવા પ્રકારની જાહેરાતના કારણે શાળામા અભ્યાસ કરતા બાળકો પર માઠી અસર પડી રહી છે. આ અંગેની ફરિયાદ પાલિકા સંચાલિત સુમન સ્કૂલના આચાર્યએ જોઈ હતી તેઓએ પાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના અધ્યક્ષ સોમનાથ મરાઠેને આ અંગે ફરિયાદ કરી હતી. ટ્રાન્સપોર્ટ કમિટિના અધ્યક્ષે આ અંગેની વિગત જાણી અને ફરિયાદમાં તથ્ય જણાતા તેઓ એજન્સીનો સંપર્ક કરીને આ અંગેની જાહેરાત દૂર કરવા માટે સૂચના આપી હતી. ત્યારબાદ એજન્સી પાસે જાહેરાતના હક્ક હોવા છતાં એજન્સીએ આવા પ્રકારની જાહેરાત દુર કરી દીધી હતી.