ઇન્ડોર સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ
- સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં નેશનલ ટેબલ ટેનિસ જોવા છ હજારથી વધુ લોકો ઉમટી પડ્યા
- પહેલા દિવસે ઇન્ડોર સ્ટેડિયમમાં 24 મેચ રમાશે : ટેબલ ટેનિસની સ્પર્ધા જોવા માટે સુરતીઓમાં ભારોભાર ઉત્સાહ
સુરત,તા.20 સપ્ટેમ્બર 2022,મંગળવાર
2015 બાદ સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં મોટી ટૂર્નામેન્ટ હોય સુરતીઓમાં નેશનલ ગેમ્સ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજથી સુરતના ઈન્ડોર સ્ટેડિયમ માં 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો છે. આજે પહેલા દિવસે ઇન્ડોર સ્ટેડિયમમાં 24 મેચનું આયોજન કરવામા આવ્યું છે. પહેલા દિવસે સુરતીઓમાં ટેબલ ટેનિસની રમત પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઇન્ડોર સ્ટેડિયમમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સુરતીઓ મેચની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા.
સુરત સહિત ગુજરાતના છ શહેરોમાં 36મી નેશનલ ગેમ્સ માટેની તડામાર તૈયારીઓ વચ્ચે આજથી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનો ઉત્સાહ વચ્ચે પ્રારંભ થયો હતો
સુરત શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં બપોરે 11 વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમમાં મહિલા અને પુરુષ ટીમોની ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી આગામી 2 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશના તમામ રાજ્યોના 43 મહિલા અને 42 પુરૂષ મળીને કુલ 85 ખેલાડીઓએ ભાગ લીધો છે.
આ પહેલાં 2015માં સુરતના નેશનલ ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરાયું હતું તે પણ ટેબલ ટેનિસની જ સ્પર્ધા હતી. ગુજરાત સ્ટેટ ઓથોરીટી દ્વારા 15 ડિસેમ્બર 2015 થી 21 ડિસેમ્બર 2015 દરમિયાન આ સ્પર્ધા થઈ હતી. ત્યારબાદ ઝોનની સ્પર્ધા યોજાતી હતી પરંતુ લાંબા ગાળા બાદ નેશનલ ગેમ્સ માટે ઈન્ડોર સ્ટેડિયમ ઉપયોગમાં આવી રહ્યું છે. લાંબા સમય બાદ સુરતમાં નેશનલ ગેમ્સનું આયોજન હોવાથી ગેમ્સ શરુ થાય તે પહેલાં જ રમત પ્રેમી સુરતીઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવવાના શરૂ થઈ ગયું હતું. કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ અને સુરતીઓ ઇન્ડોર સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા. રમત શરૂ થાય તે પહેલા જ સ્ટેડિયમ હાઉસ ફુલ જેવું થઈ ગયું હતું અને છ હજારથી વધુ લોકો મેચ જોવા માટે પહોંચી ગયા હતા.