સુરતમાં કોલેરાગ્રસ્ત જગદીશ નગરમાં બીજા દિવસે પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સ્ટેન્ડબાય
- સ્મીમેરમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓની સ્થિતિ સુધારા પર રહેતા પાલિકા તંત્રને રાહત
સુરત,તા.4 જાન્યુઆરી 2024,ગુરુવાર
સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલા જગદીશ નગરમાં કોલેરાનો એક દર્દી મળતાં પાલિકા તત્ર દોડતું થયું છે. સારવાર માટે દાખલ 10 દર્દીઓ પૈકી તમામની હાલત સુધારા પર છે તેના કારણે પાલિકા તંત્રને રાહત થઈ છે. કોલેરાના કેસ દાખલ થયાના બીજા દિવસે પણ જગદીશ નગરમાં પાલિકાની આરોગ્યની ટીમ સ્ટેન્ડબાય રહી હતી પરંતુ એક પણ દર્દી બહાર આવ્યો નથી.
પાલિકાના વરાછા ઝોનમા આવેલા જગદીશ નગરમાં ગંદા પાણીની સમસ્યા બાદ ઝાડા ઉલ્ટીના કેસ થયા હતા. તેમાં 14 વર્ષીય એક કિશોરીને કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે પાલિકા તત્ર દોડતું થયું હતું પાલિકાએ આ વિસ્તારમાં સફાઇની કામગીરી સાથે સાથે પાણીના ટેન્કર મોકલવા અને ક્લોરીન ટેબલેટ વિતરણ જેવી કામગીરી કરી હતી. આ વિસ્તારના તમામ દર્દીઓને સારવાર માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને પાલિકાની ટીમ સતત નિરીક્ષણ કરી રહી હતી.
જોકે, નવા દર્દી બહાર આવ્યા નથી અને જે દર્દીઓ દાખલ છે તેની સ્થિતિ પણ સુધારા પર છે અને સંભવતઃ સાંજે રજા આપી દેવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિ છતાં પણ પાલિકા તંત્રના આરોગ્ય વિભાગની ટીમ જગદીશ નગર વિસ્તારમાં તૈનાત રાખવામાં આવી છે અને તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.