સુરતમાં રાંદેર ઝોનના વિવિધ વિસ્તારમાં હયાત ડ્રેનેજ લાઈન નેટવર્ક અપગ્રેડ કરવા સર્વે કરાશે
- રાંદેર ઝોનના જુના વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાનો હલ કરવા માટે આયોજન
- અડાજણ ગામતળ વિસ્તારમાં આવેલ હયાત ડ્રેનેજ નેટવર્ક અંદાજે ૩૦ વર્ષ જૂનું હોવાથી ચોકઅપની અનેક ફરિયાદ : ડ્રેનેજ કમિટી અધ્યક્ષના પત્ર બાદ સર્વે કરવા માટે પાલિકાનો નિર્ણય
સુરત,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવારસુરત પાલિકાના રાંદેર ઝોનમાં 30 વર્ષ કરતાં વધુ જુનું નેટવર્ક હોવાથી લાંબા સમયથી ડ્રેનેજ ચોક અપ સાથે ઊભરાવવાની અનેક ફરિયાદ મળી રહી છે. આ પ્રકારની અનેક ફરિયાદ હોવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હતી. લોકોની અનેક ફરિયાદ બાદ પાલિકાએ આ લાઈનને અપગ્રેડ કરવા માટે સર્વે કરવાનો નિર્ણય કર્યો છે.
સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 30 વર્ષ પહેલા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવ્યું હતું. ત્રણ દાયકાના સમય બાદ આ નેટવર્ક જર્જરિત થઈ ગયું છે અને અનેક જગ્યાએ ડ્રેનેજ ઓવરફ્લો થવા કે ચોક અપની ફરિયાદ થઈ રહી છે. છાસવારે આ પ્રકારની ફરિયાદ હોવાથી લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની અનેક ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરો સાથે ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલાએ પાલિકાને જાણ કરીને આ ડ્રેનેજ નેટવર્ક માટે સર્વે કરીને કામગીરી કરવા રજુઆત કરી છે.
ડ્રેનેજ કમિટીના અધ્યક્ષે પાલિકાને પત્ર લખી જણાવ્યું છે કે, ટી.પી.સ્કીમ નં. 10, 11, 12, 13 અને 31 અને 32 (અડાજણ), 14 (રાંદેર-અડાજણ), 29 (રાંદેર) અને અડાજણ ગામતળ વિસ્તારમાં આવેલ હયાત ડ્રેનેજ નેટવર્ક અંદાજે 30 વર્ષ જૂનું હોવાથી જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે ડ્રેનેજ લાઈન વારંવાર ચોક અપ થઇ જવી, ડ્રેનેજ લાઈન નું પાણી રસ્તા પર ઉભરાવું તેમજ રસ્તા પર ભૂવા પડવા જેવી ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે.
આવા પ્રકારની સમસ્યા નિવારવા માટે રાંદેર ઝોન પાસે તમામ ટી.પી. સ્કીમોમાં ટી.પી.રસ્તા પર નાખવામાં આવેલા હયાત ડ્રેનેજ નેટવર્ક પર કયા કયા લોકેશન પર ચોમાસાની ઋતુ સિવાય ડ્રેનેજ લાઈન ઊભરાવવાની ફરિયાદ વારંવાર આવે છે, કયા લોકેશન પર ડ્રેનેજ લાઈનને વારંવાર રીપેરીંગ કરવાની જરૂર પડે છે તેમજ કથા લોકેશન પર ડ્રેનેજ લાઈનને વારંવાર ડિસીલ્ટીંગ કરવાની જરૂરિયાત ઉભી થાય છે તેવા લોકેશનનો સર્વે કરવો જરૂરી છે. આ પત્રના આધારે સર્વે કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું ડ્રેનેજ અધ્યક્ષે જણાવ્યું છે. આ સર્વે બાદ ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરાશે તેથી લાંબા સમયથી સમસ્યા ચાલી રહી છે તેનો અંત આવશે તેમ પણ જણાવ્યું હતું.