સુરતની સામુહિક પરિવહન સેવા માટે 2016માં બનેલી કોમ્પ્રિહેન્સિવ પ્લાન અપડેટ કરવા સર્વે શરૂ
Surat News : સુરત મહાનગરપાલિકાએ પરિવહનની સરળતા અને તેને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કેન્દ્રમાં રાખીને 2006માં પ્રથમ વખત કોમ્પ્રિહેન્સિવ પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ 2016 માં ફરીથી કોમ્પ્રિહેન્સિવ પ્લાન અપડેટ કર્યો હતો. જોકે, ત્યારબાદ પાલિકાનું હદ વિસ્તરણ બાદ શહેરની વસ્તી અને વિસ્તારમાં વધારો થતાં માત્ર આઠ જ વર્ષના ગાળામાં કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં સુધારો કરવા માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ઓગસ્ટથી ઓક્ટોબર માસ સુધીનો સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ પ્લાન અપડેટ કરાશે.
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં છેલ્લા એક દાયકામાં વસ્તી, વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થવાની સાથે જ કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન 2016 બાદ ફરીથી સુધારો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. સુરત મહાનગરપાલિકાના 2024-25ના બજેટમાં સુરતમાં પરિવહન, વસ્તી, ટ્રાફિકની પ્રવર્તમાન સ્થિતિને જોતાં કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનને અપડેટ કરવા રૂ.1.30 કરોડની જોગવાઈ કરી હતી.
સુરત પાલિકા વિસ્તારમાં પાલિકાએ સામુહિક પરિવહન સેવાના ભાગરૂપે સીટી અને બીઆરટીએસ બસ શરૂ કરી છે. આ બસની ક્યા વિસ્તારમાં કેટલીક જરૂર છે તે માટે 2016માં કોમ્પ્રિહેન્સિવ માસ્ટર પ્લાન બનાવ્યો હતો. 2016માં પાલિકાએ સેપ્ટ પાસે 2016માં કોમ્પ્રિહેન્સિવ માસ્ટર પ્લાન શહેરની વસ્તી અને વિસ્તાર સાથે લોકોને બસ ક્યાં અને કેટલી જરુર છે તેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. 2016માં કોમ્પ્રિહેન્સિવ માસ્ટર પ્લાન બનાવ્યા બાદ 2020માં સુરતનું ફરીથી મોટું હદ વિસ્તરણ થયું અને તેમાં મોટો વિસ્તાર અને વસ્તીનો સમાવેશ સુરત પાલિકામાં થયો છે. આ વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. તે તાપી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં વસ્તી અને વિસ્તાર વધવા સાથે લોકોની બસની જરૂરિયાતની પેર્ટન પણ બદલાઈ રહી છે.
સુરત મેટ્રોપોલિટન એરિયા માટે કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં સુધારો કરવાનું આયોજન કરાયું છે. આ કામ કન્સલ્ટન્ટ કંપની સોંપી દેવાયું છે. જુના પ્લાનમાં સુધારો કરવા માટે ઓગસ્ટથી ઓક્ટોબર માસ સુધીનો સર્વે હાથ ધરાશે. આ માહિતી આધારે 2046ના વર્ષ સુધીનો મોબિલિટી પ્લાન તૈયાર કરવામાં આવશે.
પાલિકા તંત્ર દ્વારા રિવરફ્રન્ટ યોજનાનું આયોજન કર્યું હોય તેમજ નદી આસપાસ ઠેર-ઠેર બ્રિજ બની ગયા હોય, બેરેજ પ્રોજેક્ટની કામગીરી શરૂ થઇ હોય કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાનમાં સુધારો કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સુરત પાલિકા દ્વારા લોજિસ્ટિક, રિવરફ્રન્ટ યોજના, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સાયકલ ટ્રેકની જરૂરિયાત, ટ્રાફિકનું ભારણ, વસ્તી, વાહનોની સંખ્યામાં થયેલો વધારો જેવા પરિબળોને ધ્યાન રાખવામાં આવશે. આ નવો પ્લાન સુરતની 2046ની વસ્તી, વિઝનને ધ્યાનમાં રાખીને બનાવાશે. આ પ્લાન અપગ્રેડ કરવા માટે ઓગસ્ટથી ઓક્ટોબર માસ સુધી સર્વે કરાશે. આ ત્રણ મહિના માટે સરકારી તંત્ર, શહેરીજનો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, તજજ્ઞોના અભિપ્રાય લેવામાં આવશે.