મંદી અને મોંઘવારી ભુલીને સુરતીઓએ ઉતરાયણની ઉત્સાહભેર કરી ઉજવણી

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
મંદી અને મોંઘવારી ભુલીને સુરતીઓએ ઉતરાયણની ઉત્સાહભેર કરી ઉજવણી 1 - image


- રવિવાર અને ઉતરાયણનો સંગમ થતાં સુરતીઓનો ઉત્સાહ બેવડાયો

- સુરતમાં શનિવારે બીફોર ઉતારયણ અને રવિવારે ઉતરાયણ સાથે સોમવારે વાસી ઉતરાયણની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું : રાત્રીના સમયે દિવાળી જેવો માહોલ આતાશબાજી થી આકાશ રંગાઈ ગયું 

સુરત,તા.15 જાન્યુઆરી 2024,સોમવાર

આ વર્ષની ઉતરાણ રવિવારે હોવાથી ઉત્સવની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ માટે ઉતરાણ ત્રણ દિવસની બની ગઈ હતી. શનિવારે સુરતીઓએ બીફોર ઉતરાયણની ઉજવણી કરી તો રવિવારે ઉતરાયણ અને સુરતમાં દર વર્ષે વાસી ઉત્તરાયણ ધામધૂમથી ઉજવાય છે તેથી સોમવારે વાસી ઉતરાયણની ઉજવણી પણ ઉત્સાહભેર થઈ હતી. મોંઘવારી અને મંદીની બૂમો વચ્ચે લોકોએ બધુ ભૂલીને ત્રણ દિવસની ઉતરાયણની ઉજવણી કરી હતી. સુરતમાં દિવસના સમયે આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું હતું તો રાત્રીના સમયે આતાશબાજી થી આકાશ ભરાઈ ગયું હતું. જોકે, પવને પતંગ રસીકોને થોડા મથાવ્યા હતા પરંતુ ત્યારબાદ સારો પવન આવતા સુરતીઓએ મન મુકીને ઉતરાયણની ઉજવણી કરી હતી. 

સુરતીઓ માટે ઉતરાયણનો તહેવાર ભારે ઉત્સાહનો તહેવાર છે તેના કારણે રવિવારે વહેલી સવારથી જ શહેરની અનેક રહેણાંક સોસાયટીના મકાન અને એપાર્ટમેન્ટના ટેરેસ પર સુરતીઓ પતંગ ફીરકી લઈ પહોંચી ગયા હતા. અનેક શોખીન લોકોએ ટેરેસ પર ડીજે અને સ્પીકર જેવા ઉપકરણ મૂકીને પોતાના મનપસંદ ગીત મૂકવાનું શરૂ કરી દીધું હતું.  પોતાનું પસંદગીનું મ્યુઝિક અને પવનના સાથના કારણે સુરતીઓની ઉતરાયણની ઉજવણી ભવ્ય બની ગઈ હતી. 

આ વર્ષે રવિવારે ઉતરાયણ હોવાથી સુરતીઓનો વીક એન્ડ ધમાકેદાર બની ગયો હતો. શનિ- રવિ અને સોમ સુરતીઓ પતંગમય બની ગયા હતા. દિવસ દરમિયાન સુરતમાં આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાઈ રહ્યું હતું.  દિવસ દરમિયાન સુરતમાં ઉતરાયણનો ભારે માહોલ જોવા મળ્યો હતો. પરંતુ સૂરજ અસ્ત થતાંની સાથે જ સુરતમાં ઉતરાયણ નહીં પરંતુ દિવાળી હોય તેવો માહોલ ઉભો થયો હતો. દિવસ દરમિયાન પતંગ ચગાવતા સુરતીઓ રાત્રિના સમયે સુરતીઓએ આતશબાજી અને ફટાકડા એવી રીતે ફોડ્યા હતા કે સુરતનું આકાશ આતશબાજી થી ભરાઈ ગયું હતું. 

સુરતમાં ઉતરાણ કરતાં વાસી ઉતરાણનો ક્રેઝ વધુ હોય છે તેમાં પણ આજે વાસી ઉતરાયણના દિવસે સોમવારનો ચાલુ દિવસ હોવા છતાં પણ વાસી ઉત્તરાયણ જામી હતી. રવિવારની જેમ સોમવારે પણ વહેલી સવારે સુરતીઓ ટેરેસ પર પહોંચીને પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે આજે પણ ઉતરાણ હોય તેવા પતંગ સુરતમાં ચગતા જોવા મળ્યા હતા.

સુરતીઓએ મોંઘવારી અને મંદીને ભુલીને ઉતરાયણની ઉજવણી ઉત્સાહભેર કરી હતી તો કેટલીક જગ્યાએ સોસાયટીઓમાં એપાર્ટમેન્ટના સમુહ નાસ્તા અને ભોજન સમારંભ પણ જોવા મળ્યા હતા. ઉતરાયણની ઉજવણી માટે સુરતીઓ વાજા-પીપુડા વગાડવા સાથે ડીજે અને સ્પીકરના તાલે ઝૂમીને પતંગ ચગાવ્યા હતા.


Google NewsGoogle News