સુરતમાં સૌથી વધુ અકસ્માત થાય તેવા BRTS રૂટમાં ખાનગી વાહનોનું દુષણ યથાવત
Surat BRTS : સુરતમાં હાલમાં ટ્રાફિક સિગ્નલની કામગીરીમાં પાલિકા અને પોલીસ તંત્ર અટવાયું છે ત્યારે બીજી તરફ સુરતમાં સૌથી વધુ અકસ્માત થાય તેવા બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ યથાવત જોવા મળી રહ્યું છે. લિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે સૌથી વધુ અકસ્માત થાય છે તેવા ઉધના દરવાજા-ઉન બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો આજે પણ બેફામ દોડી રહ્યાં છે તેના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. જો પાલિકા અને પોલીસ આ દુષણ અટકાવે નહીં તો મોટા અકસ્માત થાય અને તેમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર અકસ્માત માટે બસ ડ્રાઈવરનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બેફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે. સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ એવા ઉધના દરવાજા-ઉન બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દુષણ છે જેના કારણે સૌથી વધુ અકસ્માત થઈ રહ્યા છે. તેમ છતાં આ બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો દોડવાનું દુષણ પાલિકા કે પોલીસ બંધ કરી શકી નથી.
સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટને વધુ સુદઢ બનાવવા તથા ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાં ન જાય તે માટે 2018માં બસ સ્ટેન્ડ નજીક સ્વિંગ ગેટ મુકવામાં આવ્યા હતા., પરંતુ આ સ્વીંગ ગેટના ઓપરેશન મેન્ટેનન્સમાં સદંતર લાપરવાહીને પગલે સ્વીંગ ગેટ કાર્યરત ન હોવાથી પાલિકાએ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ત્યારબાદ સ્થાયી સમિતિએ એજન્સીને બ્લેક લિસ્ટ ન કરીને ગેટ રિપેર કરવા માટે સમય આપ્યો હતો તેને પણ ત્રણેક મહિનાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં હજી પણ સ્વીંગ ગેટ રિપેર થવાના ઠેકાણા નથી. પાલિકા તંત્ર કરોડો રુપિયા ધુમાડા બાદ પણ સ્વીંગ ગેટ શરૂ કરી શકી નથી તો બીજી તરફ પોલીસ પણ બીઆરટીએસ રૂટમાં દોડતા વાહન ચાલકો સામે કોઈ કામગીરી કરતી નથી. જેના કારણે સુરતમાં અનેક બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો બેફામ દોડી રહ્યાં છે. બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો દોડતા હોવાના દ્રશ્યો અનેક વાર જોવા મળે છે પરંતુ તેને અટકાવવામાં આવતા નથી જેના કારણે મોટો અકસ્માત થાય અને કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.