સુરતના જહાંગીરપુરા- ડભોલી બ્રિજને સંભવિત અકસ્માત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો
- પોલીસ રોંગ સાઈડ વાહન રોકી શકતી ન હોવાથી પાલિકાનો નવો પ્રયોગ
- ડભોલી જહાંગીરપુરા બ્રિજ અને ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર રોગ સાઈડ વાહનોનું દુષણથી કાયદાનું પાલન કરી વાહન ચલાવતા વાહન ચાલકો માટે જોખમી
સુરત,તા.31 ઓગષ્ટ 2022,બુધવાર
સુરત મહાનગરપાલિકાના રાંદેર અને કતારગામ ઝોનને જોડતા જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર રોંગ સાઈડ દોડતાં વાહનો નું દુષણ પોલીસ દૂર કરી શકતા નથી. જેના કારણે આ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત રોકવા માટે પાલિકા તંત્રએ નવો કીમિયો કર્યો છે. કોઈ પણ જાતના વળાંક વિનાના બ્રિજને સંભવિત અકસ્માત ઝોન જાહેર કરીને બ્રિજ પર આ પ્રકારના બોર્ડ લગાવી વાહન ચાલકોને સાચવીને વાહન ચલાવવાની અપીલ કરી છે. પોલીસની નબળી કામગીરી ના કારણે વાહન ચાલકોને અકસ્માતનું જોખમ દુર કરવા પાલિકાએ કરેલો કિમિયો કેટલો સફળ રહેશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે.
સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ અને કતારગામ ગોટાલાવાડી ને જોડતો બ્રિજ એસ આકાર નો હોવાથી વાહન ચાલકોને વાહન 20 કિલોમીટરની સ્પીડથી ચલાવવા માટે અનેક જગ્યાએ બોર્ડ લગાવવામાં આવ્યા છે. પરંતુ સુરતના જહાંગીરપુરા ડભોલી બ્રિજ પર કોઈ વળાંક નથી સીધો હોવા છતાં સુરત પાલિકાએ બ્રિજની વચ્ચે સામ સામે વાહન ટકરાતા હોય તેવી સંજ્ઞા સાથે અકસ્માત સંભવિત ઝોનનું બોર્ડ લગાવ્યું છે
પાલિકા દ્વારા આ બ્રિજ પર લગાવવામાં આવેલા આ બોર્ડના કારણે લોકો મા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ બ્રિજ બન્યો ત્યારથી અત્યાર સુધી આ બ્રિજ પર ડભોલી છેડેથી રોંગ સાઈડ વાહન દોડી રહ્યાં છે. ડભોલી છેડે પોલીસ ચોકી હોવા છતાં પોલીસ રોંગ સાઈડ દોડતાં વાહનો અટકાવી શકતા નથી તેના કારણે કાયદાનું પાલન કરી વાહન ચલાવતા લોકો માટે મોટું જોખમ છે. આવી જ રીતે રાત્રીના સમયે બ્રિજ પર બેસતાં લોકો જહાંગીરપુરા થી ડભોલી તરફ રોંગ સાઈડ આવી રહ્યાં છે તેથી પણ અકસ્માતની ભીતિ છે.
પોલીસ તંત્ર અન્ય લોકો માટે જોખમી રીતે વાહન ચલાવતા લોકોને રોકી શકતા ન હોવાથી પાલિકા તંત્રએ વાહન ચાલકોને ચેતવવા માટે આ પ્રકારના બોર્ડ લગાવ્યા છે. જોકે, આવા પ્રકારની જ સમસ્યા ચંદ્રશેખર આઝાદ બ્રિજ ઉપર પણ છે આ બ્રિજ પર પણ લોકો વાહન ચાલકો રોંગ સાઈડ આવી રહ્યાં છે.
પોલીસની આ પ્રકારની બેદરકારી ના કારણે અનેક વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યાં છે પણ પાલિકા પોલીસની આ નબળી કામગીરીને ઢાંકવા માટે કેટલા બ્રિજ પર આવી ચેતવણી આપતાં બોર્ડ મુકે છે તે તો સમય જ બતાવશે.