સુરતની સિટી લિંક સેવા ફરી વિવાદમાં : પાંડેસરામાં દોડતી સીટી બસનો ડ્રાઇવર પીધેલી હાલતમાં લોકોએ ઝડપ્યો
Drunk Driver of Surat City Bus : સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દોડતી સિટી બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. આજે પાંડેસરા વિસ્તારમાં એક બસના ડ્રાઈવરે મોપેડ ચાલકને ટક્કર મારતા લોકોએ ડ્રાઇવરને પકડ્યો હતો. બસનો ડ્રાઇવર દારૂના નશામાં દૂધ હોવાનો આક્ષેપ કરીને લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી લિંકના બસ સેવા સતત વિવાદમાં આવી રહી છે. આ પહેલા કંડકટર દ્વારા ટિકિટ ન આપવામાં આવતી હોવાનો વિવાદ ચાલતો હતો. ત્યારબાદ ડ્રાઇવરોની અને હડતાલ તથા અકસ્માતના કારણે સિટી બસ વિવાદમાં આવતી હતી. જોકે આજે પાલિકાના બસ ડ્રાઇવર પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોની સર્કલ પાસે બસના ડ્રાઇવરે એક મોપેડ ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ લોકો ભેગા થઈ ગયા હતા અને ડ્રાઇવરને નીચે ઉતાર્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રાઇવર નશામાં ધૂત હતો અને તેના કારણે અકસ્માત થયો હતો. સુરત પાલિકા ડ્રાઇવરોને નોકરીએ રાખે છે ત્યારે તેની તપાસ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી.