સુરતના બિસ્માર રસ્તા વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં ઉભું કરી શકે વિઘ્ન

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
સુરતના બિસ્માર રસ્તા વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં ઉભું કરી શકે વિઘ્ન 1 - image


- શહેરના રસ્તા પર પડેલા ખાડા હજુ પુરાયા નથી

- ખાબડ ખૂબડ રસ્તા પર વિસર્જન યાત્રા નીકળે ત્યારે ગણેશ આયોજકોની નાની સરખી ભૂલ પ્રતિમાને ખંડિત કરવા કારણભૂત બની શકે

સુરત,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર

સુરતમાં આનંદ ઉત્સવ સાથે ઉજવાયેલો ગણેશ ઉત્સવ હવે છેલ્લા તબક્કામાં આવ્યો છે. આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા માટે શહેરના ખાબડ ખૂબડ રસ્તા વિલન બને તેવી પૂરેપૂરી શક્યતા છે. અનેકવારની તાકીદ છતાં રસ્તા પરના ખાડા પુરાયા નથી તેથી વિઘ્નહર્તાની યાત્રામાં આ રસ્તાઓ વિઘ્ન ઉભો કરી શકે તેવી શક્યતા છે.

 આવતીકાલે ગણેશજીની વિસર્જન યાત્રા શહેરના અનેક માર્ગો પરથી નીકળશે. સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી ઉપરાંત વરસાદને કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે. કેટલીક જગ્યાએ તો મોટા ખાડાઓ પણ છે. આ રસ્તાઓ રિપેર કરવા માટે અનેક વખત તાકીદ કરવામાં આવી છે. પાલિકા રસ્તા રિપેર કરે છે પરંતુ ત્યારબાદ વરસાદના ઝાપટાં ને કારણે રસ્તા ફરી તૂટી જાય છે. આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા છે ત્યારે આ રસ્તાઓ સાથે મેટ્રોની કામગીરી પણ વિસર્જન યાત્રા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. 

આ તૂટેલા રસ્તા પર વિસર્જન યાત્રા નીકળશે અને તેમાં ગણેશ આયોજકોની નાની સરખી ભૂલ પણ વિસર્જન યાત્રામાં ગણેશજીની પ્રતિમા ખંડિત કરવાનું કારણ બની શકે છે. ગણેશ વિસર્જન યાત્રા માટે હજી  થોડા કલાકનો સમય છે ત્યારે આ ખાડા તાત્કાલિક પૂરી દેવામાં આવે તેવી ગણેશ ભક્તોની માંગણી છે.


Google NewsGoogle News