સુરતમાં પ્રેમિકા સાથે રહેતા યુવાન ઉપર પ્રેમીએ મિત્ર સાથે મળી જીવલેણ હુમલો કર્યો
- પરવત ગામમાં રહેતી 8 વર્ષની પુત્રીની 25 વર્ષની ડિવોર્સી માતા છ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ મારફતે લીંબાયતના સમીર શેખના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ હતો
- સુરતમાં એકલા રહેતા 19 વર્ષનો અભિષેક મૌર્યાને બે મહિનાથી ડિવોર્સી મહિલાએ પોતાના ઘરમાં રાખ્યો હોય સમીરને ગમતું નહોતું : અભિષેક મહિલાને બહેન માનતો હતો
સુરત,તા.22 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
સુરતના પરવત ગામમાં રહેતી 8 વર્ષની પુત્રીની 25 વર્ષની ડિવોર્સી માતાએ સુરતમાં એકલા રહેતા 19 વર્ષના યુવાનને બે મહિનાથી પોતાના ઘરમાં રાખ્યો હોય પ્રેમીને તે નહીં ગમતા ગતરોજ પોતાના મિત્ર સાથે મળી યુવાન અને પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનના આંતરડા બહાર નીકળી ગયા હતા. બનાવ અંગે ગોડાદરા પોલીસે ડિવોર્સી મહિલાની ફરિયાદના આધારે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પરવત ગામ અંકુર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.109 માં આઠ વર્ષની પુત્રી સગુન સાથે ભાડેથી રહેતી 25 વર્ષીય સોનલ સમાધાન ઇશીના પતિ સાથે સાત વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા. છ મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે તે સમીર દગુ શેખ (ઉ.વ.23, રહે.એ/55, સ્લમબોર્ડ, હનફીયા મસ્જીદ, ઉર્દુ સ્કુલની સામે, લીંબાયત, સુરત ) ના સંપર્કમાં આવી હતી. બંને ફોન પર વાત કરતા હતા અને સમીર સોનલના ઘરે પણ આવતો હોય તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાન, બે મહિના પહેલા સોનલ છૂટક મજૂરી માટે જતી હતી ત્યારે ઉધના રેલવે સ્ટેશન પાસે તેની મુલાકાત સુરતમાં એકલા રહેતા અને ફૂટપાથ, ખુલ્લી જગ્યા કે રેલવે સ્ટેશન પર સુઈ રહેતા 19 વર્ષના અભિષેક મુલચંદ મૌર્યા સાથે થઈ હતી. સોનલે તેને પોતાના ઘરે આશરો આપતા અભિષેક તેને બહેન માનતો હતો.
જોકે, આ અભિષેક સોનલના ઘરે રહેતો હતો તે વાત સમીરને ગમતી નહોતી અને આ મામલે સોનલ અને સમીર વચ્ચે ઝઘડા થતા સોનલે એક મહિનાથી સમીર સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. આથી સમીર સોનલને પરેશાન કરતો હતો. ગતસાંજે પાંચ વાગ્યે સોનલ, તેની દીકરી અને અભિષેક ઘરે હાજર હતા ત્યારે સમીર તેના મિત્ર ગાવઠી સાથે આવ્યો હતો. સોનલે દરવાજો ખોલતા સમીરે તું બધા છોકરાને ઘરમાં કેમ રાખે છે કહી ચપ્પુ કાઢી મારવા પ્રયાસ કરતા અભિષેકે તેને રોક્યો તો સમીરે સોનલને ધક્કો મારી અભિષેકના પેટમાં ચપ્પુ મારતા તેના આંતરડા બહાર આવી ગયા હતા અને તે નીચે પડી ગયો હતો. સમીરે નીચે પડેલા અભિષેકના જાંઘના ભાગે પણ ચપ્પુ માર્યું હતું અને સોનલ પર હુમલો કરવા જતા તેણે ધક્કો મારતા સાથે આવેલા ગાવઠીએ સોનલને ડાબા હાથના કોણીના આગળના ભાગે ચપ્પુ માર્યું હતું.
સોનલે બુમાબુમ કરતા લોકો એકત્ર થયા હતા.આથી સમીર અને ગાવઠી ભાગી છૂટ્યા હતા. અભિષેક અને સોનલને સારવાર માટે 108 માં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં અભિષેક પર ઓપરેશન કરવામાં આવ્યું હતું. જયારે સોનલની સારવાર બાદ ગોડાદરા પોલીસે તેની ફરિયાદના આધારે સમીર અને ગાવઠી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.