મહિલા દિવસ સ્પેશિયલ : બ્રેસ્ટ કેન્સર સામે હાર માન્યા વગર સુરતની મહિલા બની કથ્થક નૃત્યાંગના, ગુજરાતી નાટક અને ફિલ્મોની એક્ટ્રેસ
- 8 કીમો થેરાપી અને 36 રેડિયેશન લીધા બાદ બદલાયું મહિલાનું જીવન
સુરત,તા.08 માર્ચ 2024,શુક્રવાર
સમગ્ર વિશ્વમાં આઠમી માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મહિલાનું જીવન મોટા ભાગે સંઘર્ષ થી ભરેલું હોય છે પરંતુ સંઘર્ષમાંથી જ મહિલા પોતાનું વ્યક્તિત્વ નીખારતી હોય છે અને આવું જ કઈ 50 વર્ષીય ભૈરવી આઠવલેનું છે. કેન્સર જેવી બીમારીમાંથી સાજા થઈ ભૈરવીબેનનું આખું જીવન બદલાઈ ગયું અને પેહલા કરતા તેઓ વધુ સળતાપૂર્વક જીવનમાં આગળ વધ્યા અને અન્ય મહિલાઓ માટે આજે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
સુરતમાં કથક વિશારદ ભૈરવી આઠવલેએ માતાને કેન્સરમાં ગુમાવ્યા બાદ 2011માં પોતાને બ્રેસ્ટ કેન્સર હોવાની જાણ થઈ હતી, પરંતુ હિંમત હાર્યા વગર તેઓએ દસ મહિના સારવાર કરાવી સાજા થયા અને ફરી કથક શરૂ કર્યું અને ત્યારબાદ તેમણે સ્ટેજ ડ્રામા અને ઘણી ગુજરાતી મુવીમાં એક્ટિંગ પણ કરવાની શરૂઆત કરી. ઉમરા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ભૈરવીબેન આઠવલેને 38 વર્ષની ઉંમરે બ્રેસ્ટ કેન્સર ડિટેકટ થયું હતું. એ સમયે તેઓ સેવન ડે શાળામાં હતા. તેઓ બાવીસ વર્ષના હતા ત્યારે તેમની માતાનું ઓવરીના કેન્સરને લીધે અવસાન થયું હતું. ત્યારબાદ તેમની મોટી બહેનને પણ કેન્સરનું નિદાન થતા તેમણે દરેક સાવચેતીના પગલા ઉઠાવ્યા હતા પરંતુ નવેમ્બર 2011માં તેમને પણ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. આ અંગે ભૈરવીબેનએ કહ્યું કે જ્યારે પહેલીવાર ખબર પડી કે મને બ્રેસ્ટ કેન્સર છે ત્યારે હું ખૂબ રડી હતી, કારણકે દરેક મહિલાને માટે તેના વાળ ખૂબ જ મહત્વના હોય છે. હું એક કથક ડાન્સર છે અને એટલે જ વાળ જોડે એક અલગ જ લાગણી હોય છે. મારા બાળકો પણ નાના હતા. જો કે મે હિંમત હાર્યા વગર ટ્રીટમેન્ટ કરવી હતી. આજે મોટેભાગના કેન્સરમાં સારવાર થી રાહત મળે છે. પરંતુ કોઈ પણ રોગને નાબૂદ કરવા માટે એ રોગ માટે પોઝિટીવ એપ્રોચ જરૂરી છે. મારા ઓપરેશન બાદ મેં કુલ 8 કિમોથેરાપી અને 36 રેડિયેશન લીધા હતા. ડોક્ટરએ મારા બ્રેસ્ટમાંથી 16 ગાંઠ કાઢી, જેમાંથી 2 કેન્સરની હતી. સૌથી મહત્વની વાત તોએ છે કે 10 મહિનાની ટ્રીટમેન્ટ લીધા બાદ ફરીથી મેં કથક શરૂ કર્યું અને વધુમાં 2013 થી ગુજરાતી થિયેટર સાથે જોડાઇ ગઈ. ઘણા સ્ટેજ ડ્રામા કર્યા, ગુજરાતી ચેનલ નાટકમાં એક્ટિંગ કરી, ગુજરાતી ફિલ્મોમાં પણ મેં એક્ટિંગ કરી. એટલે મારું જીવન કેન્સર બાદ પહેલા કરતા વધુ સારું બન્યું હતું અને તેના માટે મેં ખૂબ જ પોઝિટિવ એપ્રોચ રાખ્યો હતો. કેન્સરની જાણ થતાં હું ખૂબ રડી પરંતુ ત્યારબાદ મારા બે દીકરાઓનો ચહેરો સામે આવ્યો અને મેં નક્કી કર્યું કે મારે ફેમિનિટી નથી જોઈતી, મારા બાળકો માટે મારે જીવવાનું છે. મને સાજી કરવામાં મારા પરિવારવાળા અને મારા પોતાના પોઝિટિવ એટિટ્યુડનો મહત્વનો ભાગ છે.