Get The App

100 કરોડના ખર્ચે બનેલા સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં પણ રખડતા કૂતરાનો ત્રાસ

Updated: Mar 24th, 2023


Google NewsGoogle News
100 કરોડના ખર્ચે બનેલા સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં પણ રખડતા કૂતરાનો ત્રાસ 1 - image


- પાલિકા કમિશનર અધિકારી સાથે બિલ્ડીંગમાં બેઠક કરતા હતા તો બહાર રિસ્પોન્સ સેન્ટરમાં રખડતા કુતરા આંટા મારતા હતા

સુરત,તા.24 માર્ચ 2023,શુક્રવાર

સુરત મહાનગરપાલિકા દ્વારા ઉધના મગદલ્લા રોડ પર 100 કરોડ રૂપિયાના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (આઈસીસીસી) બનાવ્યું છે. પરંતુ શહેરના અન્ય વિસ્તારની જેમ 100 કરોડના ખર્ચે બનેલી મિલકતમાં પણ પાલિકા તંત્ર રખડતા કુતરાને પ્રવેશતા અટકાવવા નિષ્ફળ નીવડ્યું છે. જેના કારણે મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓની હાજરી હોવા છતાં પણ બિલ્ડિંગના કેમ્પસમાં રખડતા કુતરા બેઠેલા જોવા મળ્યા હતા. જેના કારણે પાલિકાની રખડતા કૂતરાનો ત્રાસ દુર કરવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. 

સ્માર્ટ સિટી મિશન હેઠળ સુરત મહાનગરપાલિકાએ મેયર બંગલોની બાજુમાં જ 100 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવ્યું છે તેનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા માટે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર તરીકે પણ કામ કરશે. આગ, રેલ, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી આફતો દરમિયાન ઈમરજન્સી સેવાઓને મોનિટર કરી તેને પહોંચી વળવા તેમજ તંત્ર સાથે સંકલન કરવા માટે, વિવિધ સેવાઓનું મોનીટરીંગ સેન્ટ્રલાઈઝ્ડ સેન્ટરથી કરવા માટે આ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે.

100 કરોડના ખર્ચે બનેલા સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં પણ રખડતા કૂતરાનો ત્રાસ 2 - image

આ ઉપરાંત સેન્ટરમાં પાલિકાની વિવિધ IT ને લગતી જરૂરિયાતો માટેના ડેટા સેન્ટર, પ્રેસ એન્ડ મીડિયા બ્રીફિંગ રૂમ, એક્ઝીક્યુટીવ મીટીંગ રૂમ, ટ્રાન્સપોર્ટ અને મોબિલિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને SMCની અન્ય સેવાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ જેવી અદ્યતન સુવિધા ઉભી કરવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં બ્રિફીંગ તથા સુરત પાલિકા કમિશનર અધિકારી સાથેની બેઠક પણ આ જગ્યાએ જ રાખવામાં આવી હતી. 

જોકે, શહેરના અન્ય વિસ્તારમાં રખડતા કૂતરાનો ત્રાસ દુર કરવામાં પાલિકા તંત્ર સફળ થયું નથી તેવી જ રીતે દિવા તળે અંધારું હોય તેમ 100 કરોડના ખર્ચે બનેલા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં પણ રખડતા કુતરા જોવા મળ્યા હતા. સુરત મહાનગરપાલિકા પોતાની કિંમતી બિલ્ડિંગમાં જ રખડતા કૂતરાનો ત્રાસ દુર કરી શકતી ન હોય તો આખા શહેરમાંથી પાલિકા રખડતા કૂતરાનો ત્રાસ કેવી રીતે દૂર કરી શકશે ? પાલિકા કમિશ્નરની બિલ્ડીંગમાં હાજરી હોવા છતાં  ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેમ્પસમાં રખડતા કુતરા પાલિકાની નબળી કામગીરીની ચાડી ખાઈ રહ્યાં છે. પાલિકા તંત્ર રખડતા કૂતરાનો ત્રાસ દુર કરી શકતું ન હોવાથી સમયાંતરે નાના બાળકો આવા કુતરાનો ભોગ બને છે અને બે દિવસ પહેલા પણ આવા જ કુતરાએ એક બાળકનો જીવ લીધો હતો. તેમ છતાં પાલિકા તંત્ર કુતરા સામે કોઈ નક્કર કામગીરી કરી શકતું ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


Google NewsGoogle News