સુરતમાં યુવા મોરચાના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કાર્યકર્તાને સદસ્યતા અભિયાનમાં અધ્યક્ષની જવાબદારી મળતા કાર્યકરોમાં ગણગણાટ
Sadasyata Abhiyan Surat : સુરત શહેરમાં આજથી ભાજપનું સદસ્યતા અભિયાન શરુ થયું છે. આ સદસ્યતા અભિયાન માટે ભાજપે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જના નામની જાહેરાત કરતાની સાથે જ વિવાદ ઉભો થયો છે. રાજકોટમાં બે સસ્પેન્ડ કરેલી મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપી હતી ત્યારે વિવાદ થયો હતો. તેવી જ રીતે સુરતમાં દક્ષિણ ઝોનના ઈન્ચાર્જની જાહેરાત કરી છે તેમાંથી એક ઈનચાર્જને ભાજપના સદસ્યતા અભિયાન વખતે મહિલા સાથેના ચેટ વાયરલ થતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ભાજપે પહેલા સસ્પેન્ડ કર્યા હતા તેવા યુવા મોરચાના પ્રમુખને જ સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપી તે માટે આજે ભાજપ કાર્યાલય ખાતે થયેલી બેઠકમાં ગણગણાટ સાંભળવા મળતો હતો.
પ્રત્યેક 6 વર્ષે ભાજપ સંગઠન પર્વ ઉજવે છે. આ વખતે પણ 2 સપ્ટેમ્બરના રોજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાનને સર્વ પ્રથમ ભાજપના પ્રાથમિક સભ્ય બનાવી આ સદસ્યતા અભિયાન દેશ વ્યાપી શરૂઆત કરાવી હતી. આ ઉપક્રમમાં 4થી સપ્ટેમ્બર બુધવારના રોજ સુરત મહાનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ અને મેયરને સભ્ય બનાવી અભિયાનનો પ્રારંભ કર્યો છે. ભાજપે ગુજરાતના ચાર ઝોન પાડીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે તેમાં દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપના મહામંત્રી કિશોર બિંદલ અને પ્રદેશ સંયોજક વ્યવસાયિક સેલના કરશન ગોંડલીયાને દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ તરીકે જાહેર કર્યા છે. સદસ્યતા અભિયાન શરુ થયાના એક જ દિવસમાં ગોંડલીયાએ એક હજાર સદસ્ય બનાવી દીધા હતા તે ચર્ચા આ કાર્યક્રમમાં જોરદાર ચર્ચા ચાલતી હતી અને અનેક લોકો ગોંડલીયાની કામગીરીના વખાણ કરી રહ્યા હતા.
જોકે, ભાજપના જુના કાર્યકર્તા હતા તેઓએ ગોંડલીયાનો ભૂતકાળ વાગોળ્યા હતો અને ચર્ચા કરતા હતા કે, 2014ની આસપાસ જ્યારે કરશન ગોંડલીયા યુવા ભાજપના પ્રમુખ હતા. તે સમયે સદસ્યતા અભિયાન વખતે પુણા વિસ્તારની એક મહિલાનો નંબર લઈને તેઓએ સદસ્યતા સાથે સાથે મહિલા સાથે ચેટ કરી હતી અને તેની સાથે જે ભાષામાં વાત કરી હતી તે ચેટ વાયરલ થઈ હતી અને તેના કારણે ભાજપે કરશન ગોંડલીયાને યુવા મોરચાના પ્રમુખ પદેથી સસ્પેન્ડ કર્યા હતા. તેમને આ સદસ્યતા અભિયાન વખતે દક્ષિણ ઝોનના ઈનચાર્જ બનાવ્યા છે. જોકે, ભાજપને કોઈ સાફ છબી વાળા કાર્યકરો મળતા નથી તેવો બળાપો કેટલાક કાર્યકરોએ કાઢ્યો હતો.