સુરત : વેડ-વરિયાવ બ્રીજની ઘટનામાં સુપરવાઈઝરને કારણદર્શક નોટીસ, ટેકનીકલ આસીસ્ટન્ટ ફરજ મોકુફ
સુરત,તા.01 જુલાઈ 2023,શનિવાર
વેડ અને વરિયાવને જોડતા તાપી નદી ૫૨ના બ્રીજનો અપ્રોચ ભાગ બેસી જવાની સાથે તિરાડ પડવાની ઘટનામાં પાલિકા એક્શન લઈને કામમાં બેદ૨કારી અને ઉદાસીનતા દાખવનાર સુપરવાઈઝરને કારણદર્શક નોટીસ તથા ટેકનીકલ આસીસ્ટન્ટને ફ૨જ મોકુફી કરી ખાતાકીય તપાસ શરૂ કરી છે.
સુરતના વેડ અને વરિયાવ ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં જ 18 મે ના રોજ લોકાર્પણ ક૨વામાં આવ્યું હતું. લોકાપર્ણના 41 દિવસમાં જ વરિયાવ ત૨ફ ઉત૨તો ડાબી બાજુનાં ટ્રેકમાં 30 મીટર જેટલી લંબાઈમાં રોડનો ભાગ આશરે 4 ઈંચ બેસી જવાને કા૨ણે સ૨ફેસમાં ક્રેક, તીરાડ થયેલ હતી. જેના કા૨ણે સુરત મહાનગરપાલિકાની શાખને ગંભીર નુકશાન થયું હતું. આ કેસમાં પાલિકા કમિશનરે તાત્કાલિક બ્રિજ બનાવનાર એજન્સી મિસ્ત્રી કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારી હતી. તો આજે મહાનગરપાલિકાની શાખને ગંભીર નુકશાન થવા બદલ બે કર્મચારી સામે કાર્યવાહી કરી છે. જેમાં સુ૫૨વાઈઝ૨ જય પ્રિતેશકુમાર પટેલને કારણદર્શક નોટીસ તથા ટેકનીકલ આસીસ્ટન્ટ દિનેશભાઈ દલપતભાઈ લાડને તાત્કાલિક અસ૨થી અમલમાં આવે તે રીતે ફ૨જ મોકુફી હેઠળ મુકી તેઓ સામે ખાતાકીય તપાસ ક૨વાનો હુકમ ક૨વામાં આવેલ છે.