સુરત : પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના પગ કંકુમાં મુકી કાગળ પર પગલાં પાડી લેમીનેશન કરી આપવામાં આવ્યા
- દિવ્યાંગ બાળકો સહિતના બાળકોને મહાનુભવો આંગળી પકડીને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો : સતત ત્રણ દિવસ ચાલશે પ્રવેશોત્સવ
સુરત,તા.12 જુન 2023,સોમવાર
ગુજરાતનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા આજથી સમગ્ર રાજ્યમાં 3 દિવસના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પહેલા દિવસે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને યાદગાર રીતે પ્રવેશ આપવામા આવ્યો હતો. પહેલા ધોરણમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓ પગલાં કંકુમાં મુકી કાગળ પર મુકી તેના પગલાને લેમીનેશન કરી વાલીઓને આપવામાં આવી હતી. કેટલીક સ્કુલમાં દિવ્યાંગ બાળકો સહિતના બાળકોને મહાનુભવો આંગળી પકડીને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલી વાર શાળાનું સત્ર શરુ થયું અને તેની સાથે જ યુનિર્ફોમ, બુટ મોજા સહિત અનેક વસ્તુઓ આપવામાં આવી રહી છે. ગત વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના કુમકુમ પગલાં પાડી લેમીનેશન કરી આપવાની પ્રથા બીજા વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે. શિક્ષણ સમિતિના આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યાં છે તેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહ પણ વધતો જોવા મળી રહ્યો છે. આજે પહેલાં દિવસે શિક્ષણ સમિતિના પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સ્કૂલમાં પહેલો પગ મુકે તે પગલાંની કંકુથી છાપ કાગળ પર લેવામાં આવશે અને કાગળ પર કંકુના પગલાં લેમીનેશન કરીને વિદ્યાર્થીઓને યાદગીરી રૂપે આપવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત કેટલીક સ્કુલમાં પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને આવકારવામાં આવી રહ્યાં છે તેમાં અધિકારીઓ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથેના મહાનુભવો પણ જોડાઈ રહ્યા છે. આજે સુરતની રાંદેર વિસ્તારની એક સ્કૂલમાં સરકારના પૂર્વ મંત્રી પુર્ણેશ મોદીએ દિવ્યાંગ બાળકો સહિત અન્ય બાળકોને સ્કુલના ગેટથી ક્લાસ રૂમ સુધી આંગળી પકડીને લાવ્યા હતા અને તેઓને પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત શાળામાં આવતા વિદ્યાર્થીઓના પગ કુમકુમમાં મૂકીને કાગળ પર પગલાં લઈ તેને વિદ્યાર્થીઓને યાદગીરી રુપે આપવામાં આવ્યા હતા.