સુરતમાં પ્રવેશોત્સવને યાદગાર બનાવવાનો પ્રયાસ : વિદ્યાર્થીઓ માટે બનાવ્યો 'સેલ્ફી ઝોન' અને વૃક્ષારોપણ પણ કરાયું
Surat Shala Praveshotsav : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશોત્સવ શરૂ કરાયો છે. આ પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવનારા બાળકનો પ્રવેશ યાદગાર રહે તે માટે સમિતિની શાળામાં સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. પ્રવેશ લેતાં બાળકોના વાલી, શિક્ષકો અને દાતાઓ સાથે સેલ્ફી કરી આપવામા આવી હતી. આ ઉપરાંત શાળાઓમાં પ્રવેશોત્સવ સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક વખતથી સુરત પાલિકાની શાળામાં પ્રવેશોત્સવને વધુ મહત્વ મળી રહ્યું છે. આ પ્રવેશોત્સવમાં વધુને વધુ બાળકોને પ્રવેશ આપવામાં આવે તેવા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. સરકારી શાળાઓમાં પ્રવેશ મેળનવારા વિદ્યાર્થીઓને જીવનભરનું સંભારણું બની રહે તે માટે વિદ્યાર્થીઓના કુમકુમ પગલાં પાડીને તેને લેમિનેશન કરાવી વાલીઓને આપવામાં આવી રહ્યું છે.
100 ટકા હાજરી આપનારા વિદ્યાર્થીઓનું સન્માન
જ્યારે આ વર્ષે રાંદેર ઝોનમાં આવેલી ધૂમકેતુ પ્રાથમિક શાળા નંબર 218 તેમજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર 84 ના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવનું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક સ્થાનિક કોર્પોરેટરો સાથે દાતાઓ હાજર રહ્યા હતા. આ સ્કૂલમાં શાળા કાર્ય ચાલુ હોય તેવા તમામ દિવસ શાળામાં હાજરી આપનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ દરમિયાન લેવાતી બાહ્ય પરીક્ષામાં સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ સ્કૂલમાં ધોરણ-1માં પ્રવેશ વખતે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. તેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ અને મહાનુભવો સેલ્ફી પાડીને તેમના વાલીઓને યાદગીરી રૂપે આપવામાં આવતી હતી. પાલિકા દ્વારા વિદ્યાર્થીઓના પ્રવેશ વખતે કરવામાં આવતી પ્રવૃત્તિના કારણે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશો
ઉપરાંત શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં શાળાની વિદ્યાર્થીની સિફા દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. ધોરણ 8માં NMMSની પરીક્ષામાં મેરીટમાં આવનાર તેજસ્વીની વિદ્યાર્થીની ચોરસિયા રૂપા તેમજ ધોરણ 5 ની CET ની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 8 વિદ્યાર્થીઓને મેડલ તથા ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રવેશોત્સવ દરમિયાન મોટાભાગની શાળામાં પ્રવેશોત્સવ સાથે સાથે વૃક્ષારોપણ કરવા સાથે સાથે બાળકોને પર્યાવરણ જાગૃતિનો પણ સંદેશો આપવામાં આવ્યો હતો.