સુરત : સચિનના યુવાનના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
સુરત : સચિનના યુવાનના અંગદાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું 1 - image


- પદ્મશાળી તેલુગુ સમાજના જયેશ ચેરીપલ્લીના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું

સુરત,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર

સચિન રહેતો અને પદ્મશાળી તેલુગુ સમાજના યુવાનની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. 

સચિનના કનકપુર રોડ પર શ્રી લાલાજીની હવેલી પાસે રવીદર્શન રો-હાઉસ રહેતો 36 વર્ષીય જયેશ રમેશભાઈ ચેરીપલ્લી સચીનમાં ચાની લારી ચલાવતો હતો. ગત તા.22મીએ સાંજે તે ચાની લારી પર કામ કરી રહ્યો હતો, ત્યારે તેને ચક્કર આવતા નીચે પડી જતા બેભાન થઈ ગયો હતો. તેને તરત સારવાર માટે નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનુ એમ.આર.આઈ કરાવતા પેરાલીસીસની અસર થઈ હોવાનું નિદાન થયું હતું. જેથી તેને વધુ સારવાર માટે ડુંગરની હોસ્પિટલ બાદ સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગત તા.25મીએ દાખલ કર્યો હતો. ત્યાં ગત તા.26મીએ ડોક્ટરની ટીમે જયેશને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. આ અંગે જાણ થતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી જયેશના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી જેથી તેમની બંને કિડની અને લિવર તથા ચક્ષુઓનું દાન સુરતની પ્રાઇવેટ હોસ્પિટલે સ્વીકાર્યું હતું.

દાનમાં મળેલી એક કિડનીનું સુરતમાં  રહેતો 16 વર્ષીય તરુણમાં તથા બીજી કિડનીનું સુરતમાં રહેતો 28 વર્ષીય યુવાનમાં અને લિવરનું સુરતમાં રહેતા 49 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જ્યારે દાનમાં મળેલા ચક્ષુઓનું હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ  કરવામાં આવશે. જ્યારે જયેશના પરિવારમાં પત્ની સોનલ (ઉ.વ 28), પુત્રી રીયા (ઉ.વ 8) સચીનની સ્કુલમાં ધો. 3 માં અભ્યાસ કરે છે અને પુત્ર શ્યામ (ઉ.વ. 6) સચીનમાં આવેલી અંગ્રેજી માધ્યમ સ્કુલમાં ધો.1 માં અભ્યાસ કરે છે.


Google NewsGoogle News