સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઘરમાં પાણી ઘૂસ્યાં, રોડ-રસ્તા જાણે બેટમાં ફેરવાયા

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
heavy rain in surat


Surat Heavy Rain : સુરતમાં રવિવારે મોડી સાંજથી વરસાદની ધુંઆધાર બેટિંગ બાદ રાત્રિના સમયે થોડો પોરો ખાધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ પાલિકાના લિંબાયત ઝોનમા ડુંભાલમાં આવેલા ઓમનગરમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. 

સુરતમાં ગઈકાલે સાંજથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે ગઈકાલે લિંબાયત ઝોનના જવાહર નગર તથા સૂર્યનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ખાડી કિનારે આવેલા આ વસાહતમાં પાણીનો ભરાવો થતાં 12 લોકોને પાલિકાની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જોકે, રાત્રીના સમયે જ પાણી ઓસરી જતાં તમામ 12 લોકો પોતાના ઘરે પહોંચી ગયા હતા. રાત્રી સમય દરમિયાન વરસાદે વિરામ લીધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી ધમધમાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે.  જેના કારણે ફરી એક વાર લોકોની હાલત કફોડી થઈ રહી છે.

લિંબાયત ઝોનમાં આવેલા ડુંભાલ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વરસાદી પાણીનો ભરાવો થવાનું શરૂ થયું હતું. જોતજોતામાં તો લોકોના ઘરોમાં પાણી ઘુસવાનું શરૂ થઈ ગયું હતું. અને ઓમનગરના અનેક ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો ભરાવો થઈ ગયો હતો. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે ખાડ઼ી કિનારે જે દબાણ થયાં છે તેને દુર કરવામાં આવતા નથી. આ દબાણ સતત વધી રહ્યાં છે તેના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ બંધ થયો છે તેથી અમારા ઘરમાં પાણી આવી રહ્યાં છે.

ઓમનગર વિસ્તારના સંખ્યાબંધ ઘરોમાં પાણી આવતાં અસરગ્રસ્ત લોકો પાલિકાને સતત ફોન કરી રહ્યાં છે. જોકે, લોકોનો આક્ષેપ છે કે સવારથી પાણીનો ભરાવો શરૂ થયો છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી લોકોની હાલત વધુ બગડી રહી છે. હાલ તો લોકો વરસાદનું જોર બંધ થાય અને પાણી ઓસરી જાય તેની રાહ જોઈ રહ્યાં છે.


Google NewsGoogle News