સુરત પોલીસ દ્વારા શાળાઓમાં ગુડ ટચ બેડ ટચ ની સાથે સેલ્ફ ડિફેન્સની ટેક્નિક શીખવાડવામાં આવી રહી છે
સુરત, તા. 20 ડિસેમ્બર 2021 સોમવાર
શહેરમાં બાળકીઓની સાથે છેડતી તેમજ દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી આપવામાં આવી છે. સાથે જ પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી.
સુરતમાં ભૂતકાળમાં બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા, છેડતી સહિતના બનાવો સામે આવી ચુક્યા છે. એવા સમયે બાળકીઓ પોતાનો બચાવ કરી શકે અને સારા ખરાબ વિશે માહિતી મેળવી શકે તે માટે સુરત પોલીસ જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે. સુરતમાં પોલીસ દ્વારા હવે શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી છે. સાથે જ જો કોઈ દુર્ઘટના ઘટે તો સ્વબચાવ કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ પ્રોફેશનલ ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે.
ચોકબજાર પોલીસ મથકના મહિલા પીએસઆઈએ કહ્યું કે, હાલમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડીફેન્સની અલગ અલગ ટેક્નિક શીખવાડવામાં આવી રહી છે. જેથી ભવિષ્યમાં જો કદાચ તેમને સ્વ બચાવ કરવાની જરૂર પડે તો તેનો ઉપયોગ તેઓ કરી શકે અને સમજી શકે કોઈની ઉપર વિશ્વાસ કરી શકાય એમ છે અને કોની ઉપર નહીં. અમારો પ્રયાસ છે કે શાળાઓમાં આ પ્રકારનો એક પીરીયડ પણ રાખવામાં આવે જેમાં આ પ્રકારની ટ્રેનીંગ અને માહિતી પણ આપવામાં આવે.