સુરત પોલીસ વરાછા તરફ વાહનોને ટોઈંગ કરી તોડબાજી કરે છે, નાના માણસો લુંટાઈ રહ્યાં છે : કુમાર કાનાણી
- સુરતના ભાજપના ધારાસભ્યનો પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ
- વરાછા રોડના ધારાસભ્યએ પોલીસ કમિશન્રને પત્ર લખી કહ્યું ક્રેઈન નંબર-1 સરથાણાના બદલે બોમ્બે માર્કેટ વાહનો લાવીને તોડ કરે છે તેમની સામે કાર્યવાહી કરો
સુરત,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
ગુજરાત સરકાર અને સુરત પોલીસ સબ સલામતની વાતો કરે છે ત્યારે સુરત વરાછા રોડના અને ભાજપના જ ધારાસભ્યએ પોલીસ કમિશ્નરને પત્ર લખીને પોલીસ દ્વારા જ તોડબાજી કરવામા આવતી હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા છે. વરાછા રોડના ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું ક્રેઈન નંબર-1 સરથાણાના બદલે બોમ્બે માર્કેટ વાહનો લાવીને તોડ કરે છે તેમની સામે કાર્યવાહી કરો પત્રમાં તેઓએ ખુલ્લો આક્ષેપ કરતા કહ્યું છે, પોલીસ વરાછા તરફ વાહનોને ટોઈંગ કરી તોડબાજી કરે છે, નાના માણસો લુંટાઈ રહ્યાં છે તેને અટકાવવા જરૂરી છે.
સુરતના વરાછા સહિત શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા છે પરંતુ પોલીસની નબળી અને વિવાદી કામગીરીને પગલે આ સમસ્યા હળવી થવાનું નામ લેતી નથી. ત્યારે વરાછા રોડના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે તે લેટર બોમ્બ જેવો સાબિત થઈ રહ્યો છે. કાનાણીએ પોલીસ કમિશ્નરને લખેલા પત્રમાં સીધો આક્ષેપ કરતાં કહ્યું છે કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રેનોને રોડ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે. જેમાં સર્કલ-1 નો વિસ્તાર નાના વરાછા ઢાળ થી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. અને આ વિસ્તારમાં ટોઈંગ કરેલા વાહનો સરથાણા ગોડાઉન ખાતે લઇ જવાના હોય છે.
જોકે, આ વિસ્તારમાં ફરતી ક્રેન નં.-1 નાના વરાછા થી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મોટી તોડબાજી કરે છે. આમ વરાછા અને સરથાણાની બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરથાણા બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી એટલે ક્રેન નં.1 પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લુંટાઈ છે.તેને અટકાવવા તાત્કાલિક પગલાં ભરવાની માગણી કરી છે. ધારાસભ્યનો આ પત્ર અને પોલીસ તોડબાજી કરે છે તેવા આક્ષેપના કારણે રાજકારણ ગરમાયું છે અને પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયાં છે.