સુરતની સંસ્થાનું "મિશન તિરંગા" : 15 ઓગસ્ટ બાદ 26,000થી વધુ ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ "તિરંગા રક્ષા પેટી" મારફત ભેગા કર્યા
Surat News : સુરત શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં લોકો સીધા જોડાઈ રહ્યાં છે અને તેમાં પણ સરકાર દ્વારા તિરંગા યાત્રા-હર ઘર તિરંગા જેવી ઝુંબેશ શરૂ કરવામાં આવી હોવાથી લોકોના ઘર અને ધંધાકીય સ્થળો પર લાખોની સંખ્યામાં તિરંગા ફરકાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાષ્ટ્રીય તહેવાર પુરો થયા બાદ અનેક રાષ્ટ્રધ્વજની સન્માન જળવાતું ન હોવાની અનેક ફરિયાદ બહાર આવે છે. આવી ફરિયાદ કરવાના બદલે સુરતની એક સંસ્થાએ રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવા માટે મિશન તિરંગા શરૂ કર્યું છે અને શહેરના જુદા-જુદા વિસ્તારમાં 16 જેટલી તિરંગા રક્ષા પેટી મુકી છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ શહેરમાંથી 9500 રાષ્ટ્ર ધ્વજનું સરકારના નિયમથી સન્માનપૂર્વક વિસર્જન કર્યું છે.
રાષ્ટ્રીય તહેવાર બાદ ફરકાવેલો રાષ્ટ્ર ધ્વજનું સન્માન જાળવવું દરેક ભારતીયની ફરજ છે પરંતુ અનેક લોકો ધ્વજ ફરકાવી ભુલી જાય છે અને અજાણ્યે આ ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય છે. તેથી ધ્વજનું સન્માન જળવાતું નથી. પરંતુ આવા ક્ષતિગ્રસ્ત ધ્વજને જોઈને ડિફેન્સમાં જોડાવવા માટેની તૈયારી કરતાં અર્પિત પ્રજાપતિનું મન દ્રવી ગયું હતું. પોતે કોઈ કારણસર ડિફેન્સમાં જોડાઈ શક્યા ન હતા હાલ આઈ.ટીમાં કામ કરી રહ્યા છે પરંતુ વિચાર ડિફેન્સ જેવા જ રહ્યાં હોવાથી તેઓએ તેમના મિત્રો સાથે મળીને રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય અને તેનું સન્માન જળવાઈ રહે તે માટે એક અભિયાન શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ સભ્યો દ્વારા ક્ષતિગ્રસ્ત રાષ્ટ્ર ધ્વજને જાતે ભેગા કરીને ધ્વજ માટેના વર્ષ 2002ના કાયદા પ્રમાણે તેનું વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું.
પરંતુ આ અભિયાનમાં અનેક લોકો જોડાઈ અને લોકોમાં રાષ્ટ્રધ્વજના સન્માન તથા યોગ્ય જાળવણી થાય તે માટે બી ફોજી નામની સંસ્થા શરૂ કરી હતી. જેમાં ટ્રેનીંગ સાથે 450થી વધુ સભ્યો થઈ ગયાં છે. અને સુરતના જુદા-જુદા વિસ્તારો જેવા કે અમરોલી, કારગીલચોક અને ડુમસ રોડ સહિત 14 જગ્યાએ તિરંગા રક્ષા પેટી મુકી છે. સંસ્થાના અંકિત પ્રજાપતિ કહે છે, છેલ્લા ઘણા વખતથી લોકો સીધા રાષ્ટ્રીય તહેવારમાં સીધા જોડાઈ રહ્યા છે તે ઘણી જ સારી વાત છે. પરંતુ તિરંગો ફરકાવ્યા બાદ તેની જાળવણી અને સન્માન ઘણું જ જરૂરી છે તે હજુ ખુટી રહ્યું છે. 15 ઓગસ્ટની ઉજવણી બાદ હવે ક્ષતિગ્રસ્ત એવા તિરંગા નજરે આવી રહ્યા છે તેને ભેગા કરવાની કામગીરી થઈ રહી છે.
અત્યાર સુધીમાં 26 હજાર તિરંગા ભેગા કર્યા છે જેમાંથી 20 હજાર જેટલા તિરંગાનું સનમાન પુર્વક વિસર્જન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ 6 હજાર જેટલા ક્ષતિગ્રસ્ત તિરંગા મળ્યા છે અને હજી વધુ મળશે તે ભેગા કરીને તેમને સરકારના નિયમ મુજબ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત લોકોમાં રાષ્ટ્રધ્વજ માટેના સન્માનની ભાવના વધુ તિવ્ર બને તે માટેનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.
તિરંગાના સન્માનમાં મુકાઈ રક્ષાપેટી
સુરતના “બી ફોજી" દ્વારા શહેરના કારગિલ ચોક, ડુમસ રોડ ખાતે અને અમરોલી સહિતના 14 જેટલી જગ્યાએ તિરંગા રક્ષા પેટી મુકવામાં આવી છે. કોઈએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હોય અને ત્યારબાદ ક્ષતિગ્રસ્ત થયો હોય અને તેનું સન્માન સાથે વિદાય કેવી રીતે કરવી તે જ્ઞાન ન હોય તેવા લોકો આ રક્ષા પેટીમાં ધ્વજ મુકી શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ મળી આવે તો તેને રસ્તે રઝળતો મુકવાને બદલે તેઓ તે તિરંગાને આ રક્ષા પેટીમાં મૂકે તેવી અપીલ કરવામાં આવી છે.