સુરત : બાળકનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી આકરો તાપ પડે તે પહેલાં શિક્ષણ સમિતિનો રમતોત્સવ કરવા માટે વિપક્ષની માગણી

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
સુરત : બાળકનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી આકરો તાપ પડે તે પહેલાં શિક્ષણ સમિતિનો રમતોત્સવ કરવા માટે વિપક્ષની માગણી 1 - image


- ગરમી શરુ થઈ ગઈ છે છતાં હજી શિક્ષણ સમિતિમાં રમતોત્સવ શરૂ નથી કરાયો

સુરત,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે શિયાળામાં જ રમતોત્સવનું આયોજન કરવામા આવે છે પરંતુ હાલ ગરમી શરુ થઇ ગઈ હોવા છતાં પણ રમતોત્સવ શરુ કરાયો નથી. બાળકનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી આકરો તાપ પડે તે પહેલાં સમિતિનો રમતોત્સવ કરવા માટે વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે. 

સુરત : બાળકનો સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી આકરો તાપ પડે તે પહેલાં શિક્ષણ સમિતિનો રમતોત્સવ કરવા માટે વિપક્ષની માગણી 2 - image

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલમાં જ નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણુંક કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નવા વરાયેલા પદાધિકારીઓ શુભેચ્છા થી બહાર આવ્યા નથી. જોકે, શિક્ષણ સમિતિમાં રમતોત્સવનું વધુ મહત્વ હોવા છતાં સમિતિ દ્વારા રમતોત્સવ  પર પૂરતું ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ થઈ રહી છે.  શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે પરંતુ તેનો સમયગાળો પ્રતિકૂળ હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે.   શાળાના રમતોત્સવ માટે 2020-21માં માત્ર 4.71 લાખ વાપરવામાં આવ્યા, 2022-23 માં માત્ર 3.05 લાખ વાપરવામાં આવ્યા અને 2023-24ના પ્રથમ 6 મહિનામાં માત્ર 1.54 લાખ રૂપિયાનો જ ઉપયોગ કરી શકાયો છે. 

શિક્ષણ સમિતિમાં રમતોત્સવ શિયાળામાં યોજવાનો જ હોય અને એટલા માટે જ તો બજેટમાં નાણા ફાળવવામાં આવે છે તો પછી એનું આગોતરું આયોજન  કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ વિપક્ષી સભ્ય રાકેશ હીરપરા દ્વારા કરવામાં આવ્યો છે.  ગત વર્ષે પણ રમતોત્સવ ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆત માં રાખવામાં આવેલ હતો અને ગરમી શરુ થઇ ગયેલી હોવાને કારણે બાળકોને ખુબ જ અગવડ પડી હતી. ઉતાવળે ઉતાવળે અને કરવા ખાતર કરવામાં આવતા કાર્યક્રમો માત્ર નામ પુરતા જ કરવામા આવે છે. 

પાલિકાની શિક્ષણ સમિતિના પદાધિકારીઓને વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામા આવી છે તેમ છતાં હજી સુધી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું નથી. હાલ ગરમી શરુ થઈ ગઈ છે અને વધુ ગરમી પડે અને ગરમીમાં વિદ્યાર્થીઓને રમતોત્સવમાં વધુ મુશ્કેલી પડે તે પહેલા વેળાસર રમતોત્સવ શરુ કરવા માટે ફરીથી માગણી કરવામાં આવી છે.


Google NewsGoogle News