Get The App

સુરત : ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાં બાળક ડૂબી જવાના બનાવમાં વધુ એકની ધરપકડ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
સુરત : ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાં બાળક ડૂબી જવાના બનાવમાં વધુ એકની ધરપકડ 1 - image


- ડીંડોલી શ્રીનાથનગરમાં ખાડો ખોદનાર, ગણપતિ વિસર્જન કરનારે બાદમાં ખાડો નહીં પૂરતા પાંચ વર્ષનો બાળક રમતા રમતા ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી ગયો હતો 

- પોલીસે ત્રણ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી ખાડો ખોદનારની અગાઉ ધરપકડ કરી હતી 

સુરત,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર 

સુરતના નવાગામ ડીંડોલી શ્રીનાથનગરમાં ગણપતિ વિસર્જન માટે ખોદેલા ખાડામાં બાળક ડૂબી જવાના બનાવમાં ડીંડોલી પોલીસે ત્રણ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી અગાઉ ખાડો ખોદનારની ધરપકડ કર્યા બાદ ગતરોજ ખાડામાં ગણપતિ વિસર્જન કરનાર એકની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નવાગામ ડીંડોલી શ્રીનાથનગરમાં ગત શુક્રવારે રોજ પાંચ વર્ષીય સત્યમ ચૌહાણ રમવા માટે ઘરેથી ગયા બાદ પરત નહી ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સત્યમની લાશ સોસાયટીમાં ગણેશ વિસર્જન માટે ખોદેલા 10 ફુટના પાણી ભરેલા ખાડામાંથી મળ્યા બાદ ડીંડોલી પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે સોસાયટીમાં જ પ્લોટ નં.331 માં રહેતા અજય સુભાષ કહારે મહાનગરપાલિકા કે પોલીસતંત્ર પાસેથી કોઇ મંજુરી લીધા વગર સોસાયટીના કોમન પ્લોટની જગ્યામાં ગણપતિ વિસર્જન કરવા માટે જેસીબીથી ઉંડો ખાડો ખોદાવ્યો હતો અને તે ખાડામાં સોસાયટીમાં પ્લોટ નં.231 માં રહેતા સુબોધ ક્રિષ્ના શર્મા તથા અન્ય એક વ્યક્તિના ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

જોકે, વિસર્જન કર્યા બાદ તે ખાડો જોખમકારક હોય અને કોઇ દુર્ઘટના થવાની શક્યતા હોવા છતા તે નહીં પુરાવતા સત્યમ ડૂબી જતા મોતને ભેટ્યો હતો. આ હકીકતના આધારે ડીંડોલી પોલીસે સત્યમના કાકા રામધારી રામચંદ્ર બિંદ (ચૌહાણ) ની ફરિયાદના આધારે અજય કહાર, સુબોધ શર્મા અને અન્ય એક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી અજય કહારની ધરપકડ કરી હતી. દરમિયાન, પોલીસે ગતરોજ આ બનાવમાં ખાડામાં ગણપતિ વિસર્જન કરનાર રીક્ષાચાલક સુબોધ ક્રિષ્ણા શર્મા (ઉ.વ.52, મુળ રહે.નાલંદા, બિહાર) ની ધરપકડ કરી હતી.


Google NewsGoogle News