Get The App

સુરત-નવસારી રોડ પર ફરી વરસાદી પાણી ભરાયા, લોકોએ BRTS રૂટમાં વાહનો ચલાવવા મજબૂર

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
સુરત-નવસારી રોડ પર ફરી વરસાદી પાણી ભરાયા, લોકોએ BRTS રૂટમાં વાહનો ચલાવવા મજબૂર 1 - image


Surat Rain Update : સુરતમાં રેડ એલર્ટની આગાહી સાથે આજે વહેલી સવારે વરસાદના ઝાપટાને કારણે ફરી એકવાર સુરત નવસારી રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. મુખ્ય માર્ગ પર પાણીનો ભરાવો હોવાને કારણે વાહન ચાલકોએ બીઆરટીએસ રોડ પર વાહન ચલાવવાની ફરજ પડી હતી. 

સુરતના ઉધના દરવાજાથી નવસારી તરફ જતો રોડ આજે સવારે ફરી એકવાર વરસાદી પાણીને કારણે નહેર જેવો બની ગયો હતો. વહેલી સવારે વરસાદ પડતા શહેરના અન્ય વિસ્તાર સાથે સુરત નવસારી રોડ પર પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જવા નીકળેલા લોકો મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે અટવાયા હતા.

સુરત નવસારી રોડ સતત વાહનોની અવરજવર વાળા રોડ છે તેમ છતાં અહીં વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી જેને કારણે થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે. આજે વધુ એક વાર સુરત નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી થઈ હતી. વારંવાર પાણી ભરાવવાની સમસ્યા છતાં પાલિકા તંત્ર કોઈ પાઠ ભણતું નથી તેથી લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતમાં 153 રસ્તા બંધ 

તાપી જિલ્લામાં સોમવારી અમાસ ભારે વરસાદ લઈને આવતા વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજે 4 વાગ્યે પુરા થતા 10 કલાકમાં વ્યારામાં 8 ઇંચ, સોનગઢમાં 8 ઇંચ, ઉચ્છલમાં 6.7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદ સાથે તાપી જિલ્લાના બોર્ડરને અડીને આવેલા ડાંગ જિલ્લાના વનક્ષેત્રમાં આભ ફાટતા ડોલવણ, વ્યારા અને વાલોડ તાલુકામાંથી પસાર થતી નદીઓ ગાંડીતૂર બનીને વહી હતી. અનેક ગામોમાં ઘરોમાં પાણી ભરાયા હતા. જિલ્લાના 101 રસ્તા બંધ કરાયા હતા. એનડીઆરએફની ટીમે 350થી વધુ લોકોને રેસ્ક્યુ કર્યા હતા.

ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ

ત્રીજી સપ્ટેમ્બર : છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેેલીમાં ઓરેન્જ એલર્ટ. 

ચોથી સપ્ટેમ્બર: ભરૂચ, સુરતમાં રેડ   એલર્ટ. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

પાંચમી સપ્ટેમ્બર : બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.


Google NewsGoogle News